<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : નશીલો પદાર્થ પીવડાવી લૂંટ કરતી કુખ્યાત લતા ઉર્ફે લકડીની ધરપકડ : લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યાના ગુનાનો પર્દાફાશ

પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ તથા પીઆઈ ડી.બી. પટેલની ટીમને મળી સફળતા : પોણો ડઝન ગુનામાં સંડોવાયેલી મહિલાએ દરિયાપુરમાં વૃદ્ધ દંપતીને શિકાર બનાવી રોકડની કરી હતી લૂંટ

રાજકોટ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત જટિલ અને ગંભીર ગુનાનો ઉકેલ લાવતા એક એવી મહિલા ગુનેગારની ધરપકડ કરી છે, જે એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને નિશાન બનાવી નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી હતી. આરોપી મહિલા લતાબેન ઉર્ફે ગુલાબ ઉર્ફે લકડી ચૌહાણ (ઉંમર ૫૫ વર્ષ) દ્વારા દરિયાપુર વિસ્તારમાં વૃદ્ધ દંપતીને નશીલી લસ્સી પીવડાવવામાં આવી હતી, જેમાં ૮૧ વર્ષીય વૃદ્ધનું મોત નીપજતા હવે આ મામલો લૂંટ સાથે હત્યામાં પરિણમ્યો છે. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલની સૂચનાથી ડીસીપી અજિત રાજિયાણની ટીમ દ્વારા આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

 

સેવા અને વિશ્વાસના ઓઠાં હેઠળ ક્રૂરતા:

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે લતા ચૌહાણ અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતી હતી. તે એવા વૃદ્ધોની શોધ કરતી જેઓ એકલા રહેતા હોય. ત્યારબાદ તેમની જમવાની વ્યવસ્થા કરી આપવાના બહાને વિશ્વાસ જીતી ઘરમાં પ્રવેશ કરતી હતી. દરિયાપુરના દિલ્હી ચકલા પાસે સજ્જન જમાદારના મહોલ્લામાં રહેતા અબ્દુલભાઇ ઇસ્માઇલભાઇ સિપાઇ અને તેમના પત્નીને આ મહિલાએ ઘેનની દવા ભેળવેલી લસ્સી પીવડાવી હતી. દંપતી બેભાન થતા જ તે ઘરમાંથી રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગઈ હતી. લસ્સીમાં દવાની માત્રા વધુ હોવાને કારણે અબ્દુલભાઇની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

 

પીઆઈ ડી.બી. પટેલની ટીમ દ્વારા ઓપરેશન:

આ ગંભીર ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલ અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુના કરનાર રીઢા ગુનેગારોની યાદી ચકાસવામાં આવી હતી. બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે શાહપુર વિસ્તારમાં દરોડો પાડી આરોપી મહિલાને તેના ઘરેથી દબોચી લેવામાં આવી હતી.

 

પોણો ડઝન ગુનાઓનો ઇતિહાસ:

ઝડપાયેલી આરોપી લતા ચૌહાણ વિરુદ્ધ અમદાવાદના ખાડીયા, કાલુપુર, શાહપુર, ઘાટલોડીયા, વેજલપુર, માધુપુરા અને વાડજ જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ ૯ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં લૂંટ, ચોરી, ઘરફોડ અને જુગારધારા હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૫માં પણ તેની સામે વાડજ અને માધુપુરામાં ગંભીર ગુના નોંધાયા હતા. હાલ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં તેણી વિરુદ્ધ ભારતીય ન્યાય સહિંતા (BNS) ની કલમ ૧૦૫, ૧૨૩, ૩૨૯(૨) અને ૩૦૩(૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

નાગરિકો માટે પોલીસની અપીલ:

આ સફળતા બાદ પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી ખાદ્ય સામગ્રી કે પીણાંનો સ્વીકાર કરવો નહીં. ખાસ કરીને વૃદ્ધોએ સતર્ક રહેવું અને અજાણ્યા લોકોને ઘરમાં પ્રવેશ આપતા પહેલા સાવચેતી રાખવી અનિવાર્ય છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી આગળની તપાસ માટે દરિયાપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

(11:34 AM IST)