તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 3rd September 2026
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સરખેજમાં દરોડો :ઘરમાં ચાલતું નકલી દારૂનું કારખાનું ઝડપાયું
સમિરખાન ઉર્ફે એસ.કે. બાપુ પઠાણની ધરપકડ કરી: આરોપી સસ્તો વિદેશી દારૂ બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલોમાં ભરી મોંઘા ભાવે વેચાણ કરતો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજમાં ઘરમાં ચાલતું નકલી દારૂનું કારખાનું ઝડપ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજમાં દરોડો પાડી સમિરખાન ઉર્ફે એસ.કે. બાપુ પઠાણની ધરપકડ કરી હતી. પકડાયેલો આરોપી પોતાના ઘરમાં જ નકલી બ્રાન્ડેડ દારૂ બનાવતો હતો. આરોપી સસ્તો વિદેશી દારૂ બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલોમાં ભરી મોંઘા ભાવે વેચાણ કરતો હતો.
આ દરોડામાં 174 બ્રાન્ડેડ દારૂની શીલબંધ બોટલો, 96 બિયર ટીન, બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો, બુચ, સ્ટીકર, ફેવીક્વીક, મોબાઈલ સહિત કુલ 2.53 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી છેલ્લા ચારેક મહિનાથી સસ્તા ભાવનો વિદેશી દારૂ ખરીદી લાવતો. જે પછી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં તે સસ્તો દારૂ ભરી ફેવિક્વિકની મદદથી બ્રાન્ડેડ કંપનીઓના ઢાંકણા અને સ્ટીકરો લગાવતો. રાહકોને અસલી બ્રાન્ડેડ દારૂ કહીને મૂળ કિંમત કરતાં 5 થી 10 ગણા ઊંચા ભાવે વેચી છેતરપિંડી આચરતો હતો.
ખાલી બોટલો, બુચ, સ્ટીકરો અને ફેવીક્વીકની મદદથી તૈયાર નકલી બ્રાન્ડેડ બોટલો તૈયાર કરાતી હતી. આરોપી ઓરિજિનલ બોટલ અને તેના સ્ટીકર સાચવી રાખતો હતો. આરોપી અગાઉ પણ વેજલપુર પોલીસના પ્રોહિબિશન કેસમાં પકડાઈ ચૂક્યો છે, પકડાયેલા આરોપીને દારૂનો જથ્થો આપનાર તેનો ભાઈ અનીશખાન પઠાણ અને બિયર આપનાર હાર્દિક પરમાર ફરાર હોય તેઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
