<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

અમદાવાદ સિવિલનું કાર્યભારણ ઘટશે: સોલા GMERS ખાતે નવા સ્થાયી તબીબી મંડળની રચના કરાઈ

​શિક્ષણ વિભાગના વર્ગ-૩ અને GSRTCના કર્મચારીઓને બદલી માટે મેડિકલ સર્ટિફિકેટ મેળવવું વધુ સરળ બનશે: આઠ જિલ્લાના શિક્ષકો અને કર્મચારીઓને સીધો લાભ


​ગાંધીનગર : ​રાજ્ય સરકારના કર્મચારીઓને તબીબી પ્રમાણપત્ર મેળવવામાં સરળતા રહે અને અમદાવાદ સિવિલ હૉસ્પિટલના પરમાનેન્ટ મેડિકલ બોર્ડ (સ્થાયી તબીબી મંડળ) પરનું કામકાજનું ભારણ ઘટે તે હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની મંજૂરીથી અમદાવાદની GMERS હૉસ્પિટલ, સોલા ખાતે ત્રણ સભ્યોના નવા સ્થાયી તબીબી મંડળની રચના કરવાનો આદેશ કરાયો છે.
​બદલી અને કક્ષાબદલીની પ્રક્રિયા વધુ ઝડપી બનશે
આ નવી વ્યવસ્થાથી શિક્ષણ વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓને ગંભીર બીમારી કે તબીબી કારણોસર આંતરિક/જિલ્લા ફેરબદલી અથવા કક્ષાબદલી માટે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ હવે સોલા GMERS હૉસ્પિટલથી જ મળી રહેશે.
​કયા જિલ્લા અને વિભાગના કર્મચારીઓને મળશે લાભ?
​શિક્ષણ વિભાગ: અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર એમ ૮ જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક શિક્ષકો, વિદ્યાસહાયકો અને મદદનીશ શિક્ષકોનું તબીબી પરીક્ષણ હવે સોલા ખાતે થશે. (બાકીના જિલ્લાઓ માટે જૂની વ્યવસ્થા યથાવત રહેશે.)
​GSRTC (એસ.ટી. નિગમ): અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર વિભાગના વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓને કક્ષાબદલી માટે સોલા મેડિકલ બોર્ડ દ્વારા ‘ફિટ’ કે ‘અનફિટ’ સર્ટિફિકેટ આપવામાં આવશે.
​સોલા મેડિકલ બોર્ડનું માળખું
સોલા GMERS ખાતે રચાનાર આ મેડિકલ બોર્ડમાં ૩ સભ્યો રહેશે. સિવિલ સર્જન અથવા મેડિસિન વિભાગના સિનિયર પ્રોફેસર આ બોર્ડના અધ્યક્ષ બનશે. સભ્યોની સત્તાવાર નિમણૂક હૉસ્પિટલના તબીબી અધિક્ષક (મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ) દ્વારા કરવામાં આવશે.
​અત્યાર સુધી આ તમામ ૮ જિલ્લા અને એસ.ટી. વિભાગોનું કાર્યભારણ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પર રહેતું હતું. આ નિર્ણયથી મેડિકલ પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ થશે, જેનાથી કર્મચારીઓને ઝડપી સેવા મળશે અને સિવિલ હૉસ્પિટલની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે.

(2:18 PM IST)