News of Wednesday, 11th November 2026
દિવાળીના તહેવારોમાં અમદાવાદ ડામાડોળ: ગોમતીપુરમાં તલવારબાજી અને શાહપુરમાં હત્યાના પ્રયાસ સહિત ક્રાઈમની અનેક ઘટનાઓથી શહેરમાં ફફડાટ
દીપોત્સવી પર્વની ઉજવણી વચ્ચે આનંદનગર, વસ્ત્રાપુર, મણિનગર અને ખાડિયા સહિતના વિસ્તારોમાં મારામારી તથા હુમલાની વણઝારથી પોલીસ દોડતી થઈ

અમદાવાદ : દિવાળીના પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારો વચ્ચે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી અનેક ચોંકાવનારી ક્રાઈમની ઘટનાઓ સામે આવી છે. દિપોત્સવી પર્વની ઉજવણીમાં પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત હતી, ત્યારે જ અસામાજિક તત્વો અને લુખ્ખા શખ્સોએ શહેરમાં આતંક મચાવ્યો હતો. ગોમતીપુરમાં તલવારબાજીથી લઈને શાહપુરમાં અકસ્માતની અદાવતમાં હત્યાના પ્રયાસ અને સામાન્ય બાબતોમાં થયેલા મારામારીના બનાવોથી સમગ્ર શહેરમાં ભારે ફફડાટ અને ચકચાર મચી જવા પામી છે.
શહેરમાં બનેલી આ ઘટનાઓની વિગતવાર વાત કરીએ તો, આનંદનગરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડાના સમાધાન માટે બોલાવી આદિત્ય નામના યુવકને માર મારવામાં આવ્યો હતો, જ્યારે વસ્ત્રાપુરમાં કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતની અદાવત રાખી ચાર અજાણ્યા શખ્સોએ ઓફિસમાં ઘૂસીને કારચાલક સત્યનારાયણ જોશી પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત, મેઘાણીનગર અને મણિનગરમાં શૌચાલય તથા સામાન્ય બોલાચાલી જેવી નજીવી બાબતોમાં મારામારીના બનાવો બન્યા હતા. બીજી તરફ, શાહપુર દરવાજા બહાર એક્ટિવા અડકવા બાબતે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ સુમિત વાઘેલા અને તેના મિત્ર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, તો ખાડિયામાં બહેનના પ્રેમસંબંધની અદાવતમાં ભાઈને પટ્ટાથી ફટકારવાની ઘટના સામે આવી છે.
પરિસ્થિતિ વધુ વણસી ત્યારે બની જ્યારે ગોમતીપુર વિસ્તારમાં બાળકોના ઝઘડામાં વચ્ચે પડેલા હુસેન શેખ નામના યુવક પર કેફ હાશ્મી અને તોસીફ હાશ્મી નામના શખ્સોએ તલવારથી ખૂની હુમલો કરી આતંક મચાવ્યો હતો, તેમજ પઠાણની ચાલીમાં પણ ફટાકડા ફોડવા બાબતે લાકડીઓથી મારઝૂડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, દાણીલીમડામાં વાડી તોડવા બાબતે મહિલા પર હુમલો અને અમરાઈવાડીમાં પાનના ગલ્લે ગુટકા માટે પૈસા માંગવા બાબતે ઇનકાર કરતા સેવક નાઈ અને તેના ભાઈ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળ્યા છે.
દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય બોલાચાલી અને નજીવી તકરારોમાં છરી, તલવાર અને પટ્ટા જેવા હથિયારો ઉછળવાની આ ઘટનાઓએ નાગરિકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થો ખડા કર્યા છે. આ તમામ ગંભીર મામલે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ કરીને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
