News of Thursday, 7th May 2026
અમદાવાદ બનશે એશિયાનું સ્પોર્ટ્સ હબ: ૨૦૩૮ની એશિયન ગેમ્સ માટે ભારતની ધમાકેદાર દાવેદારી, ઓલિમ્પિક બાદ હવે એશિયાના સૌથી મોટા ખેલ મહાકુંભ પર નજર
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે ઓપનિંગ સેરેમની: સાબરમતીના કિનારે આકાર લઈ રહ્યું છે અત્યાધુનિક સ્પોર્ટ્સ એન્ક્લેવ, દક્ષિણ કોરિયા અને મલેશિયા જેવા દેશો સાથે ભારતની ટક્કર

અમદાવાદ, તા.૦૭: ભારતે વર્ષ ૨૦૩૮ની એશિયન ગેમ્સની યજમાની માટે વિધિવત રીતે મેદાનમાં ઝંપલાવ્યું છે. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ એશિયાના આ સૌથી મોટા મલ્ટી-સ્પોર્ટ્સ ઈવેન્ટને અમદાવાદમાં લાવવા માટે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ચીનના સાન્યા ખાતે યોજાયેલી બેઠકમાં ભારતના આ પ્રસ્તાવને વધાવી લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં એક સમિતિ અમદાવાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની સમીક્ષા કરવા ભારત આવશે.
અમદાવાદ અત્યારે ૨૦૩૬ના ઓલિમ્પિક ગેમ્સની યજમાનીના સપના સાથે તૈયાર થઈ રહ્યું છે, જે તેને એશિયન ગેમ્સ માટે પણ સૌથી પ્રબળ દાવેદાર બનાવે છે. જો બધું યોજના મુજબ ચાલશે, તો ૧૯૫૧ અને ૧૯૮૨ બાદ ફરી એકવાર ભારત એશિયન ગેમ્સનું યજમાન બનશે. જોકે, OCA દ્વારા એશિયન ગેમ્સને ઓલિમ્પિકના એક વર્ષ પહેલા યોજવા માટે કેલેન્ડરમાં ફેરફાર કરવાનું વિચારાઈ રહ્યું છે, જેના કારણે ૨૦૩૮ની ગેમ્સ ૨૦૩૯માં પણ યોજાઈ શકે છે.
મોટેરામાં આકાર લઈ રહ્યું છે સ્પોર્ટ્સ સિટી
અમદાવાદની દાવેદારીનું મુખ્ય કેન્દ્ર મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જે ૧,૩૨,૦૦૦ ની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. તેની આસપાસ ૩૫૦ એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ તૈયાર થઈ રહ્યું છે. જેમાં રમતવીરો માટે ખાસ વિલેજ, પ્રેક્ટિસ ગ્રાઉન્ડ્સ અને ઈન્ડોર સ્ટેડિયમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નારણપુરામાં ૨૧ એકરમાં ફેલાયેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર છે, જેમાં એક્વેટિક સેન્ટર અને ટેનિસ કોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ છે.
ગ્લોબલ સ્પોર્ટ્સ કેપિટલ બનવાની દિશામાં આગેકૂચ
અમદાવાદે છેલ્લા કેટલાક સમયમાં વર્લ્ડ ક્લાસ ઈવેન્ટ્સ હોસ્ટ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. વર્ષ ૨૦૨૬માં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપની ફાઈનલ બાદ હવે ૨૦૨૯માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું પણ અહીં આયોજન થવાની શક્યતા છે. ભારતની સામે દક્ષિણ કોરિયા, મંગોલિયા અને મલેશિયા જેવા દેશો પણ રેસમાં છે, પરંતુ અમદાવાદનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેને રેસમાં સૌથી આગળ રાખે છે. યજમાન શહેર અંગેનો આખરી નિર્ણય સપ્ટેમ્બર મહિનામાં જાપાનમાં યોજાનારી બેઠકમાં લેવામાં આવશે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
