<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

અમદાવાદ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી : લાખોની કિંમતના MD ડ્રગ્સ સાથે કુખ્યાત તસ્કરની ધરપકડ

આરોપી પાસેથી 305.78 ગ્રામ મેફેડ્રોન મળ્યું : ડ્રગ્સ ઉપરાંત પોલીસ દ્વારા મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂ. 9.27 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. તાજેતરમાં શહેરના મહત્વના સાબરમતી રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરી કરતા એક કુખ્યાત તસ્કરને ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાની કિંમતના માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ANTF ના યુનિટે ચોક્કસ બાતમીના આધારે સાબરમતી સ્ટેશન બહાર વોચ ગોઠવી હતી. આ ઓપરેશનમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી, જેમાં આરોપી પાસેથી 305.78 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પકડાયેલા ડ્રગ્સની બજાર કિંમત લાખોમાં આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસ દ્વારા મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂ. 9.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ડ્રગ્સ રેકેટમાં મુખ્યત્વે રાજસ્થાનના બે ડ્રગ્સ તસ્કરોનું નામ સામે આવ્યું છે. પકડાયેલા આરોપીની ઓળખ પ્રકાશ બિશ્નોઈ) તરીકે થઈ છે, જેની ANTF દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ જ રેકેટમાં સામેલ બીજો આરોપી ગોપાલસિંહ ભાટી પોલીસને ચકમો આપીને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ભાગેડુ આરોપીને પકડવા માટે હવે ટીમો કામે લગાડવામાં આવી છે.

ધરપકડ કરાયેલા પ્રકાશ બિશ્નોઈની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનું નેટવર્ક ક્યાંથી ઓપરેટ થતું હતું અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો, તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. આ સમગ્ર કેસની આગળની તપાસ હવે સાબરમતી રેલ્વે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ સામે આ કાર્યવાહીએ ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયેલા અન્ય તત્વોમાં પણ ફફડાટ પેદા કર્યો છે. પોલીસ હવે ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે અને આ નેટવર્ક કેટલું મોટું છે તેની તપાસ કરી રહી છે.

(10:48 PM IST)