તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
અમદાવાદ AMTS ના 2 નવા રૂટ શરૂ: થલતેજથી શેલા અને વાડજથી પલસાણા દોડશે લાલ બસ
ઔડા વિસ્તારના 65 વર્ષથી વધુ વયના વડીલોને મળશે ફ્રી મુસાફરી પાસનો લાભ: રિંગ રોડના હજારો નાગરિકોને મોટી રાહત

અમદાવાદ : શહેરના સરદાર પટેલ રિંગ રોડ નજીક ઝડપથી વિકસી રહેલા શેલા સહિતના વિસ્તારોમાં રહેતા સ્થાનિકો માટે અત્યંત આશાસ્પદ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિસ્તારના નાગરિકો દ્વારા જાહેર પરિવહન સેવા શરૂ કરવા અંગે અવારનવાર કરાયેલી રજૂઆતો અને માંગણીઓ બાદ આખરે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બે નવા AMTS બસ રૂટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. હવેથી થલતેજ મેટ્રો સ્ટેશનથી શેલા ગામ અને વાડજથી પલસાણા સુધી એએમટીએસની લાલ બસ દોડશે, જેનાથી મુસાફરોને દૈનિક અવરજવરમાં ભારે અનુકૂળતા રહેશે. આ સાથે રાજ્યના 2900 થી વધુ ગ્રામસેવકોના પ્રવાસ ભથ્થામાં પણ રૂ. 850 નો વધારો કરીને માસિક રૂ. 2700 કરવાનો નિર્ણય કરાયો છે.
મહાનગરપાલિકા દ્વારા મુસાફરો માટે અન્ય એક મહત્વપૂર્ણ સુધારો કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી માત્ર અમદાવાદ મનપા હદમાં વસતા સિનિયર સિટીઝન્સને જ એએમટીએસ બસોમાં મફત મુસાફરીનો લાભ મળતો હતો. પરંતુ હવે નિયમોમાં મોટો સુધારો કરીને ઔડા (AUDA) ની હદમાં વસવાટ કરતાં 65 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા તમામ વડીલોને પણ મફત મુસાફરી પાસ આપવાનો નિર્ણય લેવાયો છે. વહીવટીતંત્રના આ નિર્ણયથી ઔડા વિસ્તારના હજારો વડીલોને સીધો આર્થિક ફાયદો અને મુસાફરીમાં મોટી સુવિધા મળી રહેશે.
વર્ષોથી રિંગ રોડ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને જાહેર પરિવહન સેવાની અછતને કારણે ખાનગી વાહનો તેમજ મોંઘા ભાડા ખર્ચીને રિક્ષા કે ટેક્સીમાં મુસાફરી કરવાની ફરજ પડતી હતી. આ બે નવા બસ રૂટ શરૂ થવાથી શેલા, વાડજ, પલસાણા અને કલોલ તરફ જતા દૈનિક મુસાફરો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોંઘા ભાડામાંથી મુક્તિ મળશે અને મોટી આર્થિક રાહત થશે. મનપાના આ નિર્ણયથી શહેરી અને આસપાસના વિસ્તાર વચ્ચેનું પરિવહન માળખું વધુ સુદ્રઢ બન્યું છે.
અગાઉ પણ રિંગ રોડના પટ્ટા પર આવેલા વિસ્તારોમાં પરિવહનની પૂરતી સુવિધાઓ ન હોવાની ફરિયાદો ઉઠતી રહી હતી, જેને પગલે અમદાવાદ મનપા દ્વારા આ વિગતવાર આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં બંને નવા રૂટ પર એએમટીએસ બસોનું સંચાલન વિધિવત રીતે શરૂ કરી દેવાયું છે. આગામી દિવસોમાં મુસાફરોના ઘોડાપૂર અને ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બસોની ફેરા-સંખ્યા વધારવા તેમજ વધુ નવા વિસ્તારોને સાંકળી લેવા અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
