<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

અમદાવાદ એરપોર્ટ પર 6 મેના રોજ ફ્લાઈટના પૈડાં થંભી જશે: રન-વે મેન્ટેનન્સને કારણે 6 કલાક સુધી વિમાની કામગીરી પર લાગશે બ્રેક

મુસાફરો માટે મહત્વના સમાચાર: સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી રન-વે બંધ રહેતા અનેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના શિડ્યુલમાં ફેરફાર, એરપોર્ટ પર નીકળતા પહેલા ફ્લાઇટનું સ્ટેટસ તપાસી લેવા વહીવટી તંત્રની ખાસ અપીલ

અમદાવાદ :અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી 6 મેના રોજ હવાઈ મુસાફરી કરનારા લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષાના હેતુથી રન-વે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી તમામ વિમાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 6 કલાક દરમિયાન રન-વે પર કોઈપણ પ્રકારનું ટેક-ઓફ કે લેન્ડિંગ થઈ શકશે નહીં, જેની સીધી અસર મુસાફરોની અવરજવર અને એરલાઇન્સના નિર્ધારિત સમયપત્રક પર પડશે.

દિવસના પીક અવર્સ દરમિયાન રન-વે બંધ રહેવાના કારણે અનેક દેશી અને વિદેશી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણી એરલાઈન્સ કંપનીઓએ તેમની ફ્લાઈટ્સ રિ-શેડ્યૂલ કરી છે અને અસરગ્રસ્ત મુસાફરોને મેસેજ કે ઈમેલ દ્વારા જાણ કરી દીધી છે. એરપોર્ટ પ્રશાસનના જણાવ્યા મુજબ, વિમાનોના સુરક્ષિત સંચાલન માટે રન-વેનું સમયાંતરે સમારકામ અત્યંત અનિવાર્ય હોય છે, જેના ભાગરૂપે આ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે 5:00 વાગ્યાથી વિમાન સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.

એરપોર્ટ વહીવટી તંત્રએ મુસાફરોને અનુરોધ કર્યો છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા પોતાની ફ્લાઇટનું ઓનલાઇન સ્ટેટસ ચોક્કસપણે તપાસી લે. ખાસ કરીને જે મુસાફરોની ફ્લાઇટ સાંજે 5:00 વાગ્યા પછીની છે, તેમને પણ વહેલા પહોંચવાની સલાહ આપવામાં આવી છે જેથી કામગીરી બાદ સર્જાનારી સંભવિત ભીડમાં કોઈ મુશ્કેલી ન પડે. મુસાફરોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને એરપોર્ટ પર વધારાનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવશે, જેથી મેન્ટેનન્સ બ્રેક બાદ કામગીરી ઝડપથી પાટા પર લાવી શકાય.

(2:19 PM IST)