તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અમદાવાદ એરપોર્ટ પર હાઇડ્રોપોનિક્સ ગાંજાનો મોટો જથ્થો પકડાયો :બેંગકોકથી આવેલ વડોદરાના દંપતી પાસેથી 1.93 કિલો જથ્થો ઝડપાયો
તપાસ દરમિયાન ટ્રોલી બેગના એક ગુપ્ત ખાનામાં છુપાવવામાં આવેલો કુલ 10 વેક્યુમ-પેક્ડ પેકેટ મળ્યા

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન હાઇડ્રોપોનિક્સ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન 1.93 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજા સાથે વડોદરાના એક દંપતીને ઝડપી પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, દંપતી બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટ મારફતે શહેરમાં પહોંચ્યું હતું. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન તેમની ટ્રોલી બેગ શંકાસ્પદ જણાતા તેની સઘન તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ટ્રોલી બેગના એક ગુપ્ત ખાનામાં છુપાવવામાં આવેલો જથ્થો મળી આવ્યો હતો. બેગમાંથી કુલ 10 વેક્યુમ-પેક્ડ પેકેટ મળી આવ્યા હતા. પેકેટોની તપાસ કરતાં તેમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ હોવાનું સામે આવ્યું હતું.
કસ્ટમ વિભાગે વધુ તપાસ કરતા આ પદાર્થ હાઇડ્રોપોનિક્સ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. કુલ 1.93 કિલો જેટલો જથ્થો મળી આવતા અધિકારીઓએ દંપતીની અટકાયત કરી હતી. ત્યારબાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં આ જથ્થો વિદેશથી અમદાવાદ લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, ગાંજો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને તેને કોના સુધી પહોંચાડવાનો હતો તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.
કસ્ટમ વિભાગે જપ્ત કરાયેલા ડ્રગ્સના સ્ત્રોત અને તેની પાછળ સંકળાયેલા અન્ય લોકો અંગે માહિતી મેળવવા તપાસ શરૂ કરી છે. દંપતી સામે NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.અમદાવાદ એરપોર્ટ પરથી અગાઉ પણ વિદેશથી ડ્રગ્સ લાવવાના પ્રયાસો સામે કાર્યવાહી થઈ ચૂકી છે. આ કેસમાં પણ તપાસ એ દિશામાં આગળ વધારવામાં આવી રહી છે કે દંપતી માત્ર વાહક તરીકે કામ કરી રહ્યું હતું કે સમગ્ર મામલા પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
