<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા :બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 4.276 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

શંકાસ્પદ મુસાફરને AIU દ્વારા પ્રોફાઈલિંગ કરાયો :કસ્ટમ્સ અધિકારીઓએ તેની સામાનની ઝીણવટભરી તપાસ કરતા ટ્રોલી બેગમાં છુપાવેલી કુલ 22 પેકેટમાંથી આ નશીલો પદાર્થ મળી આવ્યો

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની સતર્કતાને કારણે એક મોટી સફળતા મળી છે. વિદેશથી ડ્રગ્સની હેરાફેરી કરવાના ઈરાદે આવેલા એક મુસાફરને એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા લાખો રૂપિયાના હાઈડ્રોપોનિક ગાંજા સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનાએ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની ચુસ્તતા અને દાણચોરોની અવનવી તરકીબોને ફરી એકવાર ઉજાગર કરી છે.

 

મળતી માહિતી મુજબ, બેંગકોકથી અમદાવાદ આવી રહેલા એક શંકાસ્પદ મુસાફરને AIU દ્વારા પ્રોફાઈલિંગ કરવામાં આવ્યો હતો. જ્યારે કસ્ટમ્સ અધિકારીઓએ તેની સામાનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે ટ્રોલી બેગમાં છુપાવેલી ચોંકાવનારી વસ્તુઓ મળી આવી હતી. આરોપીએ પોતાની બેગમાં રહેલા ખાદ્ય પદાર્થોના પેકેટોની આડમાં આ ગાંજો છુપાવ્યો હતો, જેથી અધિકારીઓની નજરથી બચી શકાય. તપાસ દરમિયાન કુલ 22 પેકેટમાંથી આ નશીલો પદાર્થ મળી આવ્યો હતો. ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સાબિત થયું હતું કે આ સામાન્ય ગાંજો નહીં, પરંતુ અત્યંત નશો ધરાવતો 'હાઇડ્રોપોનિક મરિજુઆના' છે, જેની બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ઊંચી કિંમત હોય છે.

 

કસ્ટમ્સ વિભાગે કુલ 4.276 કિલોગ્રામ વજનનો આ પ્રતિબંધિત ગાંજો જપ્ત કરીને NDPS હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ કે સંગઠિત ગેંગ સામેલ છે કે કેમ, તે અંગે એરપોર્ટ સત્તાવાળાઓ અને નાર્કોટિક્સ વિભાગ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. એરપોર્ટ પર સતત વધી રહેલા આવા ડ્રગ્સના કેસોને જોતા એજન્સીઓ અત્યંત એલર્ટ મોડ પર છે. 

(8:05 PM IST)