<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

અમદાવાદ એરપોર્ટ પર પર મોટી દુર્ઘટના ટળી

ATCની સતર્કતાથી બંને વિમાનોને સમયસર રોકી લેવાતા મોટી દુર્ઘટના ટળી : ૨ વિમાન સામસામે આવી જતાં મચી ગઈ દોડધામ

અમદાવાદ તા.૨૫: અમદાવાદ એરપોર્ટ પર પર મોટી દુર્ઘટના ટળી હતી જેમાં એર ઈન્‍ડિયા અને ઈન્‍ડિગોના બે વિમાન એક જ ટેક્‍સીવે પર સામસામે આવી ગયા હતા. ATCની સતર્કતાથી બંને વિમાનોને સમયસર રોકી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી અને બંને વિમાનો વચ્‍ચે અંદાજે ૨૦૦ મીટરનું જ અંતર રહ્યું હતું.

એર ઈન્‍ડિયાએ ટેક્‍સીંગ દરમિયાન ભૂલથી ખોટી દિશામાં વળાંક લીધો હોવાનું સ્‍વીકાર્યું છે અને મુસાફરો અને ક્રૂની સુરક્ષા જળવાઈ રહી, કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.

બીજી તરફ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે એર ઇન્‍ડિયાની ફલાઇટે ખોટો વળાંક લીધો હતો જેના કારણે આ દુર્ઘટના થતા રહી ગઈ છે.

અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે સાંજે મોટી વિમાન દુર્ઘટના ટળી છે અને મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, કેમકે ટેકસીવે ( રનવેનો એક ભાગ ) પર બે વિમાનો સામસામે આવી ગયા હતા.

એર ઈન્‍ડિયા અને ઈન્‍ડિગોના વિમાન સામસામે આવ્‍યા હતા. સૂત્રો અનુસાર, મુંબઈ જતી ઇન્‍ડિગોની ફલાઇટ ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્‍ડિયાની ફલાઇટે પાર્કિગ બે તરફ જતી વખતે ભૂલથી ખોટો વળાંક લીધો અને તે ટેક્‍સીવે પર પહોંચી ગઈ, જ્‍યાં ઇન્‍ડિગોનું વિમાન હાજર હતું.

ATC ને આ બાબતની જાણ થતા એરપોર્ટનો સ્‍ટાફ રન વે પર પહોંચી ગયો હતો અને એર ઈન્‍ડિયાના વિમાનને પાર્કિગ તરફ લઈ જવાયું અને ત્‍યારબાદ ઈન્‍ડિગોનું વિમાન રન વે પર પહોંચ્‍યું હતુ.

એર ઇન્‍ડિયાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્‍યું હતું કે ૨૪ જૂને મુંબઈથી અમદાવાદ પહોંચેલી ફલાઇટ AI-૨૪૯૩ લેન્‍ડિંગ પછી ટેક્‍સીંગ દરમિયાન અજાણતા ખોટી દિશામાં વળી ગઈ હતી. એર ઇન્‍ડિયાએ જણાવ્‍યું કે ઘટનાની જાણકારી વિમાનન નિયમનકારી અધિકારીઓને આપી દેવામાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

(9:46 AM IST)