News of Tuesday, 22nd September 2026
અમદાવાદમાં ધો-4 ના વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ‘I Love You’ ની ચિઠ્ઠી આપતાં શિક્ષક અને પ્રિન્સિપાલે ઠપકો આપ્યો :માર માર્યાનો આરોપ
ગભરાયેલો બાળક ઘરે જઈ રૂમમાં પુરાયો હતો અને માર માર્યાની વાત કરતાં માતા-પિતાએ રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી: પોલીસે શિક્ષક અને પ્રિન્સિપાલ સામે ગુનો દાખલ કર્યો

અમદાવાદ:શહેરના સીટીએમ વિસ્તારની એક ખાનગી શાળામાંથી એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતા માત્ર 9-10 વર્ષના એક માસૂમ વિદ્યાર્થીએ સાથે ભણતી વિદ્યાર્થિનીને કાગળ પર 'આઈ લવ યુ' લખેલી ચિઠ્ઠી આપતાં શાળા સંકુલમાં મોટો હોબાળો મચી ગયો હતો.
આ બાબતની જાણ થતાં શાળાના શિક્ષક અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીને બોલાવીને ઉધડો લીધો હતો અને કડક ઠપકો આપ્યો હતો. જોકે, શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચેલો માસૂમ બાળક એટલો ડરી ગયો હતો કે તેણે પોતાને રૂમમાં બંધ કરી દીધો હતો અને શિક્ષકોએ માર માર્યાનો આક્ષેપ કરતાં વાલીઓએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સીટીએમ વિસ્તારની શાળામાં ધોરણ-4 ના વર્ગખંડમાં અભ્યાસ દરમિયાન એક વિદ્યાર્થીએ ક્લાસમાં બેસતી વિદ્યાર્થિનીને પ્રેમ વ્યક્ત કરતી ચિઠ્ઠી આપી હતી. વિદ્યાર્થિનીએ આ ચિઠ્ઠી વર્ગશિક્ષકના ધ્યાને મૂકતાં શિક્ષક તેમજ શાળાના આચાર્ય લાલઘૂમ થઈ ગયા હતા. શાળા પ્રશાસને શિસ્તભંગ બદલ વિદ્યાર્થીને બોલાવીને કડક ભાષામાં ઠપકો આપ્યો હતો અને વાલીને બોલાવવાની ચીમકી આપી હતી.
શાળા પૂર્ણ થયા બાદ બાળક અત્યંત ગભરાયેલી અને ફફડતી હાલતમાં પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચતાં જ માનસિક રીતે ડરી ગયેલા બાળકે પોતાની જાતને એક રૂમમાં પૂરી દીધી હતી. બાળકના આ અસામાન્ય વર્તનથી માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેમણે રૂમનો દરવાજો ખોલાવી પૂછપરછ શરૂ કરી હતી. સતત રડી રહેલા માસૂમ બાળકે તેની માતાને જણાવ્યું હતું કે શાળામાં ચિઠ્ઠી બાબતે શિક્ષક અને પ્રિન્સિપાલે તેને અમાનવીય રીતે ઢોર માર માર્યો હતો અને માનસિક ત્રાસ આપ્યો હતો.
પુત્રની આપવીતી અને શરીર પર થયેલા આક્ષેપિત મારની વાત સાંભળી માતા-પિતા રોષે ભરાયા હતા. વાલીઓએ સીધા રામોલ પોલીસ સ્ટેશને પહોંચી શાળાના શિક્ષક અને પ્રિન્સિપાલ વિરુદ્ધ કાયદેસરની લેખિત ફરિયાદ નોંધાવી હતી. નાના બાળકની સુરક્ષા અને સંવેદનશીલતાને ધ્યાને રાખી રામોલ પોલીસે શિક્ષક અને પ્રિન્સિપાલ સામે જુવેનાઇલ જસ્ટિસ અને શારીરિક શોષણ સંબંધી કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. શાળાના સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ અન્ય વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
