તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
ખેડૂતોના હિતમાં કૃષિ વિભાગના મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : રવિ ઋતુમાં બિયારણ અને નિદર્શન ઘટકો માટે ‘આઈ-ખેડૂત પોર્ટલ’ ખુલ્લું મુકાયું
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીમાં ૧૫ દિવસનો વધારો : મગફળી, મગ, સોયાબીન અને અડદના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો હવે ૨૪ ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કૃષિ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, કૃષિ વિભાગ દ્વારા આગામી રવિ ઋતુમાં પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ તેમજ નિદર્શન ઘટકોનો લાભ રાજ્યના ખેડૂતો સુધી પહોંચાડવા માટે અરજીઓ આવકારવામાં આવી છે. આ તમામ ઘટકો હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતો ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર અરજી કરી શકશે. આ પોર્ટલ ૪ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી એટલે કે કુલ ૧૨ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
વધુમાં, રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે અગાઉ અંતિમ તારીખ ૯ ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. પરંતુ, વિવિધ સાંસદો, ધારાસભ્યો તથા ખેડૂત પ્રતિનિધિઓ તરફથી મળેલી રજૂઆતોને સંવેદનશીલતાથી ધ્યાને રાખીને રાજ્ય સરકારે નોંધણી પ્રક્રિયામાં ૧૫ દિવસનો વધારો કરવાનો પ્રજાહિતકારી નિર્ણય લીધો છે.
આ નિર્ણયના પરિણામે હવે રાજ્યના ખેડૂતો મગફળી, મગ, સોયાબીન અને અડદ જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે લંબાવેલી મુદત મુજબ આગામી ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂતોને સમયસર ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પરથી સરકારી યોજનાઓની અરજી કરવા અને ટેકાના ભાવે ખરીદી માટે લંબાવવામાં આવેલી નોંધણી મુદતનો મહત્તમ લાભ લેવા આગ્રહપૂર્વક અપીલ કરી છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
