<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

તુવેરમાં સુકારો, મૂળ-થડનો કોહવારો અને વંધ્યત્વ રોગના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામક કચેરીની માર્ગદર્શિકા

તુવેરના પાકમાં રોગ નિયંત્રણ માટે ખેડૂતોએ આટલું જરૂર કરવું

ગાંધીનગર : તુવેરના પાકમાં આવતા સુકારો (વિલ્ટ), મૂળ અને થડનો કોહવારો તેમજ વંધ્યત્વ રોગના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં તથા વાવણી સમયે લેવાના મહત્વના પગલાં સૂચવતી માર્ગદર્શિકા રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવી છે.
વાવણી પહેલાં/વાવણી સમયે લેવાના મુખ્ય પગલાં:
• વાવણી માટે હંમેશા રોગમુક્ત બીજ અને યોગ્ય ખેતરની પસંદગી કરવી.
• જે ખેતરમાં પાણી ભરાતું હોય ત્યાં તુવેરનું વાવેતર કરવું નહીં.
• રોગ પ્રતિકારક જાતોનું જ વાવેતર કરવું.
• આગળના વર્ષના તુવેરના છોડ શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયા હોય તો તેને તાત્કાલિક દૂર કરવા.
• તુવેરમાં ક્યારેય બડધો (બીજી વારનો) પાક લેવો નહીં.
• દર ત્રણ વર્ષે દિવેલા કે જુવારના પાક સાથે પાક ફેરબદલી કરવી.
• તુવેરના પાકમાં મકાઈને આંતરપાક તરીકે લેવાથી સુકારાના રોગ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
• વાવેતર પહેલાં ૧૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર મુજબ દિવેલીનો ખોળ જમીનમાં આપવો.
બીજ માવજત અને ચાસમાં આપવાની દવા/જૈવિક ખાતર:
* પદ્ધતિ ૧: બીજ માવજત તરીકે કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ કે થાયરમ ૨ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે આપવું. આ ઉપરાંત ટ્રાયકોડર્મા વીરડી ૨.૫ કિ.ગ્રા. ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીના ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું.
* પદ્ધતિ ૨: ટ્રાઇકોડર્મા હારજીયમ ૪ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા બજારમાં મળતું તૈયાર મિશ્રણ કાર્બોક્ષીન + થાયરમ ૨ ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે ટ્રાયકોડર્મા હારજીયમ ૪ કિલો પ્રતિ હેક્ટર વાવણી વખતે ચાસમાં આપવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.
દવાના વપરાશ વખતે દવાના પેકિંગ પર આપવામાં આવેલ લેબલ મુજબ જ જે તે પાક, નિયત ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની ભલામણ અનુસાર જ દવા નો ઉપયોગ કરવો

(7:01 PM IST)