News of Tuesday, 6th October 2026
રેલવેમાં બોગસ નામે સીટો બૂક કરી એજન્ટો દ્વારા ઊંચા ભાવે વેચાણ
દિવાળી વેકેશનની કન્ફર્મ ટિકિટ મેળવવા એજન્ટો સક્રિય : ટુર ઓપરેટરો અને અનધિકૃત એજન્ટો પાસે મોટી સંખ્યામાં કન્ફર્મ ટિકિટ હોવાના આક્ષેપો ઉઠ્યા

અમદાવાદ,તા.૬: દિવાળી વેકેશનમાં અમદાવાદ, ગાંધીનગર અને સાબરમતીથી જમ્મુ-કટરા, દિલ્હી, કાશ્મીર, હિમાચલ અને કેરળ તરફથી ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ માટે મુસાફરો ધક્કો ખાઈ રહ્યાં છે. બીજી તરફ કેટલાક ટુર ઓપરેટરો પાસે મોટી સંખ્યામાં કન્ફર્મ ટિકિટ હોવાની શંકા વચ્ચે બોગસ નામે સીટો બ્લોક કરવાના આક્ષેપોએ રેલવે આરક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.
દિવાળી આવતાં જ ગુજરાતમાં રહેતા લોકો વતનમાં જવા માટે કે પછી મિનિ વેકેશનમાં બહાર ફરવા માટે મહિનાઓ પહેલાં જ આયોજન કરવા લાગતા હોય છે.
સામાન્ય રીતે રેલવેમાં વધુમાં વધુ ૬૦ દિવસ પહેલાં જ ઓનલાઈન ટિકિટ બૂક કરાવી શકાતી હોય છે. આગામી દિવસોમાં દિવાળીનું મિનિ વેકેશન આવતુ હોય સવારે નિયમિત રેલવેની ઓનલાઈન ટિકિટ પોર્ટલ પર વિન્ડો ખુલતાં જ મિનિટોમાં તમામ ટિકિટ બૂક થઈ જતી હોય છે. અને લાંબુ વેઈટિગ લાગી જતાં સામાન્ય મુસાફરોને ટિકિટ મળવી પણ મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિમાં કેટલાક ટુર ઓપરેટરો અને અનધિકૃત બુકિગ એજન્ટો દ્વારા બોગસ બનાવટી અથવા અસંબંધિત મુસાફરોના નામે મોટી સંખ્યામાં કન્ફર્મ ટિકિટો અગાઉથી જ બૂક કરી આ ટિકિટો અન્ય પ્રવાસીઓને ઉંચા ભાવે આપવામાં આવતી હોવાની શંકા સેવાઈ રહી છે. રેલવે દ્વારા આવા ઓપરેટરોને કોઈ ખાસ કોચ કે સીટ ક્વોટા ફાળવાયો ન હોવા છતાં તેમની પાસે કન્ફર્મ ટિકિટો કેવી રીતે પહોંચી જાય છે? આ બાબતના અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
આવી સ્થિતિમાં રેલવેએ ગુજરાત બહારના ખાસ કરીને રાજસ્થાનના પીઆરએસ કાઉન્ટરોની ભૂમિકા તપાસવી જરૂરી બની છે. એક જ એજન્ટ, મોબાઈલ નંબર, પેમેન્ટ માધ્યમ અથવા સરનામાથી થયેલા બુકિગની તપાસ કરવામાં આવે સાચી હકીકત બહાર આવી શકે છે. સાથોસાથ ૧૩થી ૨૫ નવેમ્બર વચ્ચેની વાપસીની ટિકિટોમાં પણ આવું જ બુકિગ થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
