તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ઉંમરને આપી મ્હાત! અમદાવાદના ૯૮ વર્ષના ‘પ્રભાવતી નાની’ બન્યા આનંદ મહિન્દ્રાની પ્રેરણા, એકલતાને હરાવી શરૂ કર્યો ‘નાનીનો નાસ્તો’
૬૮ વર્ષના સાથ પછી પતિના અવસાનથી ભાંગી પડેલા નાનીએ રસોઈના શોખને બનાવ્યો વ્યવસાય: આજે ૨૦૦થી વધુ પરિવારોને પીરસે છે ઘર જેવો સ્વાદ, ઉદ્યોગપતિએ ‘આંત્રપ્રેન્યોર ઓફ ધ યર’ તરીકે ગણાવ્યા

અમદાવાદ, તા.૨૨: અમદાવાદના રસ્તાઓ પર અત્યારે એક અનોખી મૂર્તિ પ્રેરણાનું કેન્દ્ર બની છે - ૯૮ વર્ષના પ્રભાવતી ભગવંત, જેમને આખું શહેર ‘પ્રભાવતી નાની’ તરીકે ઓળખે છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર નાનીની કહાની શેર કરતા જ તેઓ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગયા છે. આનંદ મહિન્દ્રાએ તેમને ‘આંત્રપ્રેન્યોર ઓફ ધ યર’ (વર્ષના શ્રેષ્ઠ ઉદ્યોગસાહસિક) ગણાવતા કહ્યું કે, “નાનીના શબ્દો મને દરરોજ પ્રેરણા આપે છે.”
દુઃખમાંથી જન્મ્યો વિજયનો માર્ગ
૧૯૨૭માં જન્મેલા પ્રભાવતી નાનીનું જીવન ૨૦૧૭માં પતિ પ્રફુલ ભગવતીના અવસાન પછી સાવ શાંત થઈ ગયું હતું. ૬૮ વર્ષનો અતૂટ સાથ છૂટી જતા લાઈવલી ઘર અચાનક એકલવાયું લાગવા માંડ્યું. સંતાનો અને પૌત્ર-પૌત્રીઓ પોતાની દુનિયામાં વ્યસ્ત હતા. પરંતુ ૯૦ વર્ષની વયે હાર માનવાને બદલે નાનીએ પોતાની એકલતાને પોતાના જુસ્સા એટલે કે ‘રસોઈ’માં બદલી નાખી.
એક રિકવેસ્ટ અને ‘નાનીના નાસ્તા’નો જન્મ
૨૦૧૮માં તેમની પુત્રીએ એક પાર્ટી માટે ‘ખાંડવી’ બનાવવાની વિનંતી કરી. નાનીના હાથે બનેલી એ ખાંડવીનો સ્વાદ જેણે પણ ચાખ્યો, તે તેમનો કાયમી ગ્રાહક બની ગયો. બસ, અહીંથી જ ‘નાનીના નાસ્તા’ (Nani Na Nashta) બ્રાન્ડનો ઉદય થયો. આજે, ૯૮ વર્ષની ઉંમરે પણ નાની અઠવાડિયામાં ૨૦૦થી વધુ પરિવારોને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ પીરસે છે.
આનંદ મહિન્દ્રા થયા પ્રભાવિત
આનંદ મહિન્દ્રાએ નાનીના ફોટા અને તેમની સફર શેર કરતા લખ્યું કે, “ઉંમર માત્ર એક આંકડો છે. તમે ગમે ત્યારે તમારા જીવનની પટકથા બદલી શકો છો.” નાની આજે પણ દરેક ઓર્ડરની જાતે તપાસ કરે છે, ખોરાક ચાખે છે અને તેની ગુણવત્તા મંજૂર થયા પછી જ ગ્રાહક સુધી પહોંચાડે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથેની તેમની તસવીરો પણ તેમની લોકપ્રિયતા અને સન્માનની સાક્ષી પૂરે છે.
શિસ્ત અને આત્મનિર્ભરતાનો પાઠ
પ્રભાવતી નાનીની આ સફર માત્ર બિઝનેસ વિશે નથી, પણ આત્મનિર્ભરતા અને સકારાત્મકતા વિશે છે. ૯૮ વર્ષે પણ સક્રિય રહીને તેઓ સમાજને સંદેશ આપી રહ્યા છે કે જો મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય, તો કોઈ પણ અવરોધ તમને રોકી શકતો નથી.
અમદાવાદના આ ‘સુપર નાની’ ના હાથે બનેલી ખાંડવી અને નાસ્તામાં માત્ર મસાલા નથી, પણ વર્ષોનો પ્રેમ અને અનુભવ ભળેલો છે, જે તેમને ખરા અર્થમાં ‘આંત્રપ્રેન્યોર ઓફ ધ યર’ બનાવે છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
