News of Sunday, 17th May 2026
આણંદની નિકિતાનું રાજકોટમાં શંકાસ્પદ મોત બાદ પિયરિયાને આત્મહત્યા નહીં હત્યાની આશંકા : પોલીસ તપાસનો ધમધમાટ
પતિના મોબાઈલમાં કેટલાક વાંધાજનક ફોટા અને વિડિઓ બાદ ભારે તણાવ : પિયરમાં ફોન પર વાત કરી અને "બધું ઠીક થઈ જશે" તેવી આશા વ્યક્ત કરી પરંતુ તેના ગણતરીના કલાકોમાં જ અચાનક તેના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું

આણંદની દીકરીના શંકાસ્પદ મોતના સમાચાર અત્યારે ભારે ચર્ચા જગાવી રહ્યા છે. લગ્નજીવનમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી અને ત્યારબાદ સર્જાયેલા વિવાદે એક હસતી-ખેલતી દીકરીનો ભોગ લીધો છે. પરિવારના આક્ષેપો અને પોલીસ તપાસ વચ્ચે આ સમગ્ર મામલો અત્યંત ગંભીર વળાંક લઈ ચૂક્યો છે.
આણંદના સુખી પરિવારની લાડકવાઈ દીકરી નિકિતાના લગ્ન રાજકોટના અજય પ્રજાપતિ સાથે ધામધૂમથી થયા હતા. શરૂઆતમાં બધું સામાન્ય ચાલતું હતું, પરંતુ થોડા સમય બાદ નિકિતાને તેના પતિના અન્ય યુવતી સાથેના નજીકના સંબંધોની જાણ થઈ. નિકિતાએ પતિના મોબાઈલમાંથી કેટલાક વાંધાજનક ફોટા અને વીડિયો જોઈ લેતા પરિવારમાં ભારે તણાવ ઊભો થયો હતો. આ અંગે તેણે પતિ અને સાસુ-સસરા સામે ખુલાસો માંગ્યો હતો, પરંતુ પરિવારના આક્ષેપ મુજબ આ આખા મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને નિકિતાને સમજાવીને શાંત રાખવામાં આવી હતી.
મોતના થોડા જ કલાકો પહેલાં નિકિતાએ તેના પિયરમાં ફોન પર વાત કરી હતી અને "બધું ઠીક થઈ જશે" તેવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ તેના ગણતરીના કલાકોમાં જ અચાનક તેના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારનો સૌથી ગંભીર આક્ષેપ એ છે કે નિકિતાના મોત પહેલાં તેનો મોબાઈલ ફોન સંપૂર્ણ ફોર્મેટ કરી નાખવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેના ભાઈએ ટેકનિકલ મદદથી કેટલોક ડેટા રિકવર કર્યો હોવાનો દાવો કર્યો છે, જેમાં અનેક પુરાવા હોવાની આશંકા છે.
હાલમાં નિકિતાના પરિવારે આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે રાજકોટ પોલીસે ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હવે સવાલ એ છે કે નિકિતાના મોત પાછળનું અસલી રહસ્ય શું છે? શું પોલીસ તપાસમાં નિકિતાને ન્યાય મળશે? આ તમામ સવાલોના જવાબ આગામી સમયમાં પોલીસ તપાસ બાદ જ સામે આવશે
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
