<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

NEET બાદ હવે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીકના શંકાના ઘેરામાં : BAMS ની પરીક્ષાના ૧૨ માંથી ૧૧ પ્રશ્નો વોટ્સએપ પર વાયરલ થયાનો દાવો

શલ્ય તંત્ર-૧ વિષયની પરીક્ષાના સવાલો લીક થયાના આક્ષેપોથી ભારે ખળભળાટ : વાઈસ ચાન્સલરના નિર્દેશથી તપાસ સમિતિની રચના, રિપોર્ટના આધારે કડક પગલાંની ખાતરી

જામનગર: દેશભરમાં નીટ પરીક્ષાના વિવાદ બાદ હવે ગુજરાતની સુપ્રસિદ્ધ જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપર લીકની ઘેરી શંકાના કારણે ભારે વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટી સંચાલિત BAMS કોર્સની પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ પ્રશ્નપત્રની વિગતો સોશિયલ મીડિયા એપ વોટ્સએપ પર વાયરલ થઈ જતાં શિક્ષણ જગતમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

 

 ૧૨ માંથી ૧૧ સવાલો વાયરલ મેસેજ સાથે હૂબહૂ મળ્યા:

ગત ૨૦ જુલાઈના રોજ BAMS ના ત્રીજા પ્રોફેશનલ વર્ષની 'MS-શલ્ય તંત્ર-૧' વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ તેના સવાલો અંગેના કેટલાક મેસેજ વોટ્સએપ પર વાયરલ થઈ ગયા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિશ્લેષણ કરવામાં આવતાં વાયરલ થયેલા મેસેજ અને પરીક્ષાના મૂળ પ્રશ્નપત્ર વચ્ચે ભારે સમાનતા જોવા મળી હતી. ચર્ચા અનુસાર, પરીક્ષામાં પૂછાયેલા કુલ ૧૨ પ્રશ્નોમાંથી ૧૧ પ્રશ્નો વાયરલ થયેલા મેસેજમાંથી જ બેઠેબેઠા પૂછાયા હતા, જેના કારણે પેપર લીક થયું હોવાની આશંકા વધુ મજબૂત બની છે.

 

 ઘટનાના વિરોધમાં વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીએ રચાઈ તપાસ કમિટી:

આ ઘટના સામે આવતાં જ વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ બુલંદ બની છે. ઈન્ચાર્જ એક્ઝામિનેશન ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, સવારના સેશનમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. પરંતુ સાંજના સમયે મોબાઈલ પર પ્રશ્નો વાયરલ થયા હોવાની માહિતી મળતાં જ વાઈસ ચાન્સલર સાથે ચર્ચા કરીને તુરંત જ એક ખાસ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાં જે કોઈ દોષિત જણાશે અથવા નિયમોનું ઉલ્લંઘન સામે આવશે તેમની સામે યુનિવર્સિટીના નિયમો મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે.

 

 ૨૫ જેટલી કોલેજોની અન્ય પરીક્ષાઓ યથાવત:

હાલમાં આ યુનિવર્સિટી સાથે જોડાયેલી ૨૦ થી ૨૫ જેટલી આયુર્વેદ કોલેજોના વિદ્યાર્થીઓની અન્ય વિષયોની પરીક્ષાઓ પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ ચાલુ રાખવામાં આવી છે. નીટ બાદ હવે આયુર્વેદ યુનિવર્સિટીની પરીક્ષા સિસ્ટમ સામે સવાલો ઊભા થતાં રાજ્યની સમગ્ર પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા પર ફરીથી પ્રશ્નાર્થચિહ્ન મુકાયું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ હાલ તપાસ સમિતિના રિપોર્ટ અને જવાબદારો સામે લેવાનારા આકરા પગલાંની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(5:36 PM IST)