<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

મેઘમહેર બાદ મગફળીનું ૧૦૩ ટકા સાથે ખરીફ પાકનું ૮૦ ટકા વાવેતર

વરસાદના બે વ્‍યાપક રાઉન્‍ડ બાદ જગતના તાતનું મન મૂકીને વાવેતર : ગત વર્ષે આ સમયગાળામાં ૭૦.૪૭ લાખ હેકટર વિસ્‍તારમાં વાવેતર હતું તે ૩ ઓગસ્‍ટ સુધીના આંકડા પ્રમાણે ૬૭.૪૭ લાખ હેકટર વિસ્‍તારમાં વાવેતર થઇ જવા પામ્‍યું

અમદાવાદ તા.૬:  રાજ્‍યમાં વરસાદ ભારે ખેંચાયા બાદ મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેરના બે રાઉન્‍ડ કર્યા બાદ ખેડૂત વર્ગ દ્વારા મોટાપાયે વાવણી કરાતા કુલ ખરીફ વાવેતર છેલ્‍લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતરની સરખામણીમાં ૮૦ ટકા ઉપર પહોંચ્‍યું છે. અગાઉ ગત વર્ષના અને હાલના સમયગાળામાં થયેલા વાવેતરમાં જંગી તફાવત પણ ઓછો થવા પામ્‍યો છે. મગફળી અને સોયાબીનનું સો ટકા વાવેતર થઇ જવા પામ્‍યું છે.

જગતના તાતને વ્‍યાપક વરસાદ બાદ હાશ થવા પામી હોય તેમ મોકળા મને વાવેતર કરવાનું શરૂ કર્યું છે. ગત વર્ષે આ સમયગાળામાં ૭૦.૪૭ લાખ હેકટર વિસ્‍તારમાં વાવેતર હતું તે ૩ ઓગસ્‍ટ સુધીના આંકડા પ્રમાણે ૬૭.૪૭ લાખ હેકટર વિસ્‍તારમાં વાવેતર થઇ જવા પામ્‍યું છે. ખરીફ પાકમાં ઘઉં સિવાયના ધાન્‍ય પાકનું મુખ્‍યત્‍વે વાવેતર થતું હોય છે. તેમાં કુલ ૭૭.૧૪ ટકા વાવેતર થઇ જવા પામ્‍યું છે. કઠોળ પાકમાં ૭૭.૫૨ ટકા, કપાસ, મકાઇનું ૯૩.૧૩ ટકા વાવેતર અને સૌથી વધુ તેલીબિયાં પાકમાં ૮૨.૨૯ ટકા વાવેતર થયું છે. આ સીઝનમાં મગફળીનું વિક્રમજનક વાવેતર થયું છે. છેલ્‍લા ત્રણ વર્ષના સામાન્‍ય સરેરાશ વાવેતર મુજબ ૧૯.૧૫ લાખ હેકટર વિસ્‍તારમાં વાવેતર થયું હતું તે ૨૦૨૬માં હાલ ૧૯.૭૭ લાખ હેકટરમાં થયું છે જે ૧૦૩.૨૬ ટકા છે.

રાજ્‍યમાં ૮ ઓગસ્‍ટથી વરસાદના નવા રાઉન્‍ડની આગાહી છે ત્‍યાં સુધીમાં બાકીનું વાવેતર થઇ જાય તેવી સંભાવના છે. ડાંગર, બાજરી અને જુવારનું હજુ સુધી ૬૮ ટકાથી ૭૬ ટકા વાવેતર જ થવા પામ્‍યું છે. કઠોળમાં મગનું ફક્‍ત ૩૫ ટકા, મઠનું ૫૬ ટકા જ વાવેતર થયું છે. તલનું ૨૨.૦૫ ટકા, દિવેલાનું ૧૮.૯૨ ટકા, ગુવાર સીડનું ૨૯.૮૭ ટકા વાવેતર કરવામાં આવ્‍યું છે. રાજ્‍યના અનેક વિસ્‍તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાઇ રહેતા શાકભાજીનું વાવેતર ઓછુ થઇ રહ્યું છે. કુલ વિસ્‍તાર સામે ૭૩ ટકા જેટલા વિસ્‍તારમાં જ શાકભાજીનું વાવેતર થઇ રહ્યું છે.

(9:51 AM IST)