News of Sunday, 11th October 2026
વકીલો બાદ હવે રાજ્યભરના નોટરીઓ આંદોલનના મૂડમાં: સોગંદનામાની સત્તા મામલતદાર અને તલાટીને સોંપાતાં વિરોધ
અમદાવાદમાં ન્યુ નોટરી ચેરિટેબલ એસોસીએશનની બેઠકમાં સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ, માંગણીઓ ન સંતોષાય તો ઉગ્ર લડતની ચેતવણી

અમદાવાદ : ગુજરાતમાં ભાડા વિધેયક કાયદાના વિરોધમાં વકીલોના આંદોલન બાદ હવે રાજ્યભરના નોટરીઓ પણ સરકાર સામે વિરોધના મૂડમાં આવી ગયા છે, જેમાં સરકારે નોટરીઓ પાસેથી સોગંદનામા (એફિડેવિટ) અને દસ્તાવેજો કરવાની સત્તાઓ આંચકીને મામલતદાર તથા તલાટીને સોંપી દેતાં નોટરી આલમમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
અમદાવાદ ખાતે ન્યુ નોટરી ચેરિટેબલ એસોસીએશનની યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં નોટરીઓ દ્વારા સરકારને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી પાંચ દિવસમાં નોટરીઓના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો રાજ્યના તમામ વકીલ મંડળો અને નોટરીઓને સાથે રાખીને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. નોટરીઓ દ્વારા વિદ્યાર્થીઓના એફિડેવિટ, આવકના દાખલા, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ અને ભાડા કરાર સહિતની અનેક દસ્તાવેજી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ મેરેજ રજિસ્ટ્રેશન એફિડેવિટ સહિતની મોટાભાગની સત્તાઓ છીનવાઈ જતાં અને પક્ષકારોએ મેજિસ્ટ્રેટ સમક્ષ જવું પડતું હોવાથી જિલ્લા-તાલુકા કક્ષાના નોટરીઓની રોજગારી પર ગંભીર અસર પડી છે.
આ ઉપરાંત લીગલ નોટરાઇઝ્ડ ડોક્યુમેન્ટ્સ માટે જરૂરી 50 રૂપિયાની સ્ટેમ્પ મેળવવામાં પણ ભારે હાડમારી વેઠવી પડી રહી છે, કારણ કે ધી કાંટા ફોજદારી કોર્ટ અને ભદ્ર સિટી સિવિલ કોર્ટ જેવા મહત્વના સેશન્સ વિસ્તારો હોવા છતાં શહેરી વિસ્તારમાં સ્ટેમ્પ વિતરણની કોઈ સુવિધા નથી. જેના કારણે નોટરીઓ, વકીલો અને પક્ષકારોને સ્ટેમ્પ ખરીદવા માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી ધક્કા ખાવા પડે છે અને ત્યાંથી પણ અત્યંત મર્યાદિત સંખ્યામાં ટિકિટો મળતી હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અગાઉ વકીલો દ્વારા ભાડા વિધેયક સમેત વિવિધ કાનૂની મુદ્દાઓ પર વિરોધ દર્શાવી આંદોલનનું શંખનાદ કરવામાં આવ્યું હતું, જે લડત હવે વધુ તીવ્ર બની રહી છે. આ મામલે રજૂઆતો કરવા છતાં પરિણામ ન આવતાં ન્યુ નોટરી ચેરિટેબલ એસોસીએશન દ્વારા પાંચ દિવસની મહેતલ પૂરી થયા બાદ આગામી વ્યૂહરચના અને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
