તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
સાવલીમાં વૃદ્ધની હત્યા બાદ બે ઢોર વેચી નવા બૂટ-કપડા ખરીદ્યા, સગીર ઝડપાયો
દમણ ફરવા, નવા કપડાં-બૂટ લેવા માટે વિદ્યાર્થીએ કરી વૃદ્ધની હત્યાઃ રૂ.૯૩૦૦માં વેચ્યા ઢોર

વડોદરા,તા.૨૨: દમણ ફરવા અને નવા કપડા અને બૂટ ખરીદવા માટે આઠમાં ધોરણના વિદ્યાર્થીએ વૃદ્ધની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વડોદરા જિલ્લાના સાવલી નજીકથી વૃદ્ધની તાજેતરમાં મળી આવેલી લાશના મામલે હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે સગીર હત્યારાની અટકાયત કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કરચીયા ગામની સીમમાંથી ગત તારીખ ૧૭મી જુલાઈના રોજ એક બિનવારસી લાશ મળી આવી હતી. જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના જણાવ્યા અનુસાર ઓળખ દરમિયાન મૃતકનું નામ રમણ રયજીભાઇ રાઠોડીયા (ઉં. ૬૬) હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં હત્યા થઈ હોવાનું જણાતા સાવલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે વિસ્તારમાં કોમ્બીંગ કરતાં ઘટનાસ્થળેથી એક લાકડી મળી આવી હતી. જેના આધારે તપાસ કરતાં કાયદાના સંઘર્ષમાં આવેલ ૧૭ વર્ષીય બાળકનું નામ ખુલ્યું હતું.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આઠમા ધોરણમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને દમણ ફરવા જવું હતું. પરિવારજનોએ તેને માત્ર ૧,૦૦૦ રૂપિયા આપ્યા હતા. તેને વધુ નાણાંની જરૂર હતી અને નવા બૂટ તથા કપડા પણ ખરીદવા હતા. પરિવારજનોએ તેના માટે નાણાં આપવાની ના પાડી હતી. ગત ૧૭મીએ તે ઢોરો ચરાવવા ગયો હતો, ત્યારે ત્યાં ઢોરો ચરાવવા આવેલા રમણ રાઠોડીયા પર તેની નજર પડી હતી. પૈસા મેળવવાના ઈરાદે તેણે લાકડીના ફટકા મારીને વૃદ્ધની હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ આરોપી ત્યાંથી રમણ રાઠોડીયાના બે ઢોર લઈને ફરાર થઈ ગયો હતો. તેણે તે ઢોર ૯,૩૦૦ રૂપિયામાં વેચી માર્યા હતા. આ નાણાંમાંથી તેણે પોતાની જરૂરિયાત મુજબ નવા બૂટ અને કપડા ખરીદ્યા હતા. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની પાસેથી ૫,૩૦૦ રૂપિયા રોકડા, નવા બૂટ અને કપડા કબજે કર્યા છે. સમગ્ર મામલે સાવલી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
