<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૪×૭ યુદ્ધના ધોરણે રાહત-પુનઃસ્થાપન કામગીરી

સુરત જિલ્લામાં અસરગ્રસ્ત ૨૮૪ પૈકી ૧૯૨ રસ્તાઓ અને ૧૮૨ ગામોનું માર્ગ જોડાણ પુનઃ શરૂ : ૯,૩૯૫થી વધુ ભારે મશીનરી સાથે ૧૪૫ ટીમો મેદાનમાં

(અશ્વિન વ્યાસ દ્વારા), ગાંધીનગર:દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પરિણામે ખોરવાયેલા જનજીવનને પૂર્વવત કરવા અને વાહનવ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૪×૭ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં માર્ગોના રિપેરિંગ અને પુનઃસ્થાપનનું કામ અત્યંત ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ સમગ્ર કામગીરીનું ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ જિલ્લા સ્તરે પણ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પૂરગ્રસ્ત રસ્તાઓ અને સરકારી ઇમારતોનું સ્થળ પર રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

 

 સુરતમાં ૨૮૪ માંથી ૧૯૨ રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરાયા:

સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને સુરત જિલ્લાના અસરગ્રસ્ત ૨૮૪ રસ્તાઓમાંથી ૧૯૨ રસ્તાઓ પર વાહનવ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઝડપી કામગીરીના પરિણામે અસરગ્રસ્ત ૧૮૨ ગામોનું માર્ગ જોડાણ સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરી દેવાયું છે, જેથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.

 

 દક્ષિણ ગુજરાતમાં ૧૪૫ ટીમો અને ૯,૩૯૫થી વધુ મશીનો કાર્યરત:

માર્ગોના સમારકામ અને અવરોધો દૂર કરવા માટે રાજ્ય અને પંચાયત વિભાગની મળીને કુલ ૧૦૭ ટીમો સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૪૫ ટીમો કામગીરીમાં જોડાઈ છે. રસ્તાઓ પરથી કાટમાળ ખસેડવા, પેચવર્ક કરવા અને રસ્તા સરખા કરવા માટે જેસીબી (JCB), ડમ્પર, પેવર સહિતની ભારે મશીનરીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૯,૩૯૫થી વધુ મશીનો, જ્યારે માત્ર સુરત જિલ્લામાં ૧૧૭ જેટલા મશીનો યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા બાકીના રસ્તાઓ પણ વહેલામાં વહેલી તકે પૂર્વવત કરવા માટે સતત કામગીરી જારી રાખવામાં આવી છે.

(3:00 PM IST)