તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
149 વર્ષના રેકોર્ડ બાદ દેશમાં આ વર્ષે ભીષણ ગરમીની શક્યતા: ગુજરાતમાં ગરમીનો પ્રચંડ રાઉન્ડ શરૂ થશે: અંબાલાલ પટેલ
મે મહિનામાં કાળી આંધી અને જૂનમાં ચોમાસાના આગમન પહેલા વાવાઝોડાનું જોખમ: કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે

અમદાવાદ :જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અત્યંત ચોંકાવનારી આગાહી કરી છે. તેમના મતે 149 વર્ષના રેકોર્ડ બાદ દેશમાં આ વર્ષે ભીષણ ગરમી પડવાની શક્યતા છે. 24 એપ્રિલથી ગુજરાતમાં ગરમીનો પ્રચંડ રાઉન્ડ શરૂ થશે, જેની સાથે મે મહિનામાં કાળી આંધી અને જૂનમાં ચોમાસાના આગમન પહેલા વાવાઝોડાનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. આ આગાહીએ ખેડૂતો અને સામાન્ય જનતામાં ચિંતા સાથે કુતૂહલ જગાડ્યું છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 24 એપ્રિલથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ પ્રચંડ રીતે વધશે. મધ્ય ગુજરાત, સાબરકાંઠા અને અરવલ્લીમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી અને હારીજમાં કાળઝાળ ગરમી પડશે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે. પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ વધવાને કારણે લોકો અસહ્ય બફારાથી અકળાઈ જશે.
મે મહિનો ગુજરાત માટે આકરો સાબિત થઈ શકે છે. 28 એપ્રિલથી મેની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપને કારણે કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત 11 થી 20 મે દરમિયાન ઈરાન તરફથી આવનારી 'કાળી આંધી' છે. આ તેજ પવન એટલો શક્તિશાળી હોઈ શકે છે કે કાચા મકાનોના છાપરા પણ ઉડી શકે છે. 23 મે બાદ દરિયામાં પણ ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે.
ચોમાસા પહેલા દરિયામાં મોટી હલચલ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 15 મે બાદ બંગાળની ખાડીમાં ભયાનક ચક્રવાત સર્જાઈ શકે છે. આ ઉપરાંત, 17 મે થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ વાવાઝોડાના પ્રબળ સંકેતો છે. જો વાવાઝોડું સક્રિય થશે તો તેના કારણે વરસાદ વધુ થઈ શકે છે, પરંતુ તેની અસર હેઠળ ચોમાસું થોડું મોડું પડવાની પણ સંભાવના નકારી શકાય તેમ નથી.
ગુજરાત માટે સારા સમાચાર એ છે કે જૂનના બીજા સપ્તાહમાં, એટલે કે 8 થી 15 જૂન વચ્ચે વિધિવત ચોમાસાનું આગમન થઈ શકે છે. કેરળના તટે 28 મે થી 1 જૂન વચ્ચે વરસાદની શરૂઆત થશે. અંબાલાલ પટેલે આશા વ્યક્ત કરી છે કે અલ-નીનોની અસર છતાં IOD સાનુકૂળ હોવાથી ગુજરાતમાં જૂન અને ઓગસ્ટમાં સારો વરસાદ રહેશે. ઓક્ટોબર સુધી પાછોતરો વરસાદ રહેવાની આગાહી સાથે આ વર્ષે ખેતી માટે સાનુકૂળ વાતાવરણની આશા જાગી છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
