<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

'ભાડે પાર્ટનર'ની જાહેરાતો અને રૂપિયા લઈને ગરબા રમાડવા અયોગ્ય: તહેવારની પવિત્રતા જોખમાય છે: મહંત ત્રિકમદાસજી મહારાજ

મહંત ત્રિકમદાસજી મહારાજે નવરાત્રીને લઈ મોટું નિવેદન આપતા કહ્યું કે આ પર્વ માત્ર માતાજીની ભક્તિ અને આરાધના માટે છે: સાચી નવરાત્રી માત્ર શેરી ગરબીઓમાં જ છે, જ્યાં માની સાચી આરાધના થાય છે.

અમદાવાદ :વિશ્વના સૌથી લાંબા લોકનૃત્ય ઉત્સવ નવરાત્રીના પાવન પર્વ પૂર્વે સુપ્રસિદ્ધ સંત મહંત ત્રિકમદાસજી મહારાજે નવરાત્રીના નામે થઈ રહેલા વેપારીકરણ અને વિકૃતિઓ સામે કડક વલણ અપનાવતાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નવરાત્રી એ શક્તિ ઉપાસના, ભક્તિ અને અંતઃકરણથી માતાજીની આરાધના કરવાનો પવિત્ર અવસર છે. આ પર્વમાં માતાજીની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ, પરંતુ આજના સમયમાં ગરબા રમવા માટે 'ભાડે પાર્ટનર' આપવાની જાહેરાતો અને કરોડો રૂપિયાની ટિકિટો વસૂલીને નવરાત્રી રમાડવી એ આપણી સનાતન સંસ્કૃતિ અને તહેવારની ગરિમા વિરુદ્ધ છે.

 

તાજેતરમાં સોશિયલ મીડિયા તેમજ વિવિધ માધ્યમોમાં નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે યુવક-યુવતીઓને પાર્ટનર તરીકે ભાડે મેળવવાની જાહેરાતો સામે આવી રહી છે. આ અંગે આક્રોશ વ્યક્ત કરતાં મહંત ત્રિકમદાસજીએ જણાવ્યું હતું કે, "નવરાત્રી એ કોઈ મોજ-મસ્તી કે દેખાડાનો મેળાવડો નથી. ગરબા રમવા માટે 'ભાડે પાર્ટનર' ઉપલબ્ધ કરાવવાની જાહેરાતો સંપૂર્ણપણે અયોગ્ય અને નિંદનીય છે. આવી અનૈતિક પ્રવૃત્તિઓ અને જાહેરાતોથી નવરાત્રી જેવા આધ્યાત્મિક પર્વની ધાર્મિક પવિત્રતા ખંડિત થાય છે." તેમણે યુવા પેઢીને આવા દૂષણોથી દૂર રહીને તહેવારની ગરિમા જાળવવા અનુરોધ કર્યો છે.

 

 

આજના સમયમાં મોટા શહેરોમાં પાર્ટી પ્લોટો અને ક્લબો દ્વારા લાખો-કરોડો રૂપિયાના પાસ વેચીને નવરાત્રીને શુદ્ધ વ્યાવસાયિક ઇવેન્ટ બનાવી દેવાઈ છે, તેના પર પણ મહંતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રૂપિયા વસૂલીને નવરાત્રીનું આયોજન કરવું એ માતાજીના પવિત્ર નામનો વ્યાપાર કરવા સમાન છે. નવરાત્રીમાં કેન્દ્રસ્થાને માત્ર અને માત્ર મા અંબાની ભક્તિ અને શ્રદ્ધા હોવી જોઈએ, નહીં કે આર્થિક નફો કે મનોરંજન.

 

 

મહંત ત્રિકમદાસજી મહારાજે તમામ ભક્તો અને ખેલૈયાઓને પ્રાચીન સંસ્કૃતિ તરફ વળવા આહવાન કરતાં કહ્યું કે, "સાચી નવરાત્રી તો ગામડાંઓ અને સોસાયટીઓની શેરી ગરબીઓમાં જ જોવા મળે છે." જ્યાં માટીનો ગરબો પધરાવી, દીપ પ્રગટાવીને માતાજીની સ્તુતિ, છંદ અને પ્રાચીન ગરબાઓ ગવાતા હોય ત્યાં જ સાચો ધાર્મિક આનંદ મળે છે. તેમણે તમામ શ્રદ્ધાળુઓને આધુનિક દેખાડા અને ક્લબ કલ્ચરમાંથી બહાર આવીને મા જગદંબાની સાચી ભક્તિ અને આરાધના પર ભાર મૂકવા હૃદયપૂર્વકની અપીલ કરી છે.

(9:16 PM IST)