<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

એશિયાટિક સિંહોના ‘બીજા ઘર’ બરડા જંગલ માટે વહીવટી માળખું મજબૂત : પોરબંદર વન વિભાગનું વ્યાપક પુનર્ગઠન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રેન્જ અને બીટની નવી રચના સાથે જવાબદારીઓનું વિભાજન : ૨ મદદનીશ વન સંરક્ષક હેઠળ ૭ રેન્જોનું સંકલન : ભાણવડ અને કુતિયાણા સહિતના વિસ્તારોમાં મોટા ફેરફારો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: એશિયાટિક સિંહોના બરડા ખાતે બનેલા ‘બીજા ઘર’ને મજબૂત વહીવટી આધાર આપવાના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પોરબંદર વન વિભાગના વહીવટી માળખાનું પુનર્ગઠન કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ૧૪૩ વર્ષ બાદ બરડા જંગલમાં સિંહોના કુદરતી પુનર્વસવાટને પગલે વન સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપન સુદ્રઢ બનાવવા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજ્ય મંત્રી પ્રવીણ માળીના નેતૃત્વ હેઠળ આ કવાયત હાથ ધરવામાં આવી છે.

નવી વહીવટી રચના મુજબ પોરબંદર રેન્જ હેઠળ ૬,૮૪૦.૮૪ હેક્ટર વિસ્તાર અને ૮૦ ગામો તથા રાણાવાવ રેન્જ હેઠળ ૧૩,૦૫૧.૨૫ હેક્ટર વિસ્તાર અને ૨૭ ગામો આવરી લેવાયા છે. જામનગર વન વિભાગ હસ્તકની RFW ભાટિયા રેન્જનો ૩૦૫.૯૪ હેક્ટર વિસ્તાર (દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કંડારડા જોગણા, સાજડીયાળા, જુના અને જંબુસર ગામો) હવે પોરબંદર વન વિભાગની ભાણવડ રેન્જમાં ભેળવી દેવાયો છે. ઉપરાંત કુતિયાણા રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જને પણ પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ કરાઈ છે.

આ પુનર્ગઠન બાદ રેન્જોની સંખ્યા વધીને સાત થતાં કેવડિયા ખાતે મંજૂર થયેલી મદદનીશ વન સંરક્ષકની બે જગ્યા પૈકી એક જગ્યા પોરબંદર ખાતે બદલવામાં આવી છે. જૂનાગઢ વન્યજીવ વર્તુળ હેઠળ નાયબ વન સંરક્ષકના સીધા નિયંત્રણમાં ૨ મદદનીશ વન સંરક્ષક ફરજ બજાવશે. મદદનીશ વન સંરક્ષક-૧ હેઠળ પોરબંદર રેન્જ તેમજ પોરબંદર અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જ રહેશે. જ્યારે મદદનીશ વન સંરક્ષક-૨ હેઠળ રાણાવાવ, ભાણવડ, કુતિયાણા અને મોબાઈલ સ્ક્વોડ (ટી.એ.) રેન્જ મૂકવામાં આવી છે.

આ નિર્ણયથી સ્ટાફ, વાહનો, હથિયારો, વોકી-ટોકી, વાયરલેસ સિસ્ટમ અને અન્ય રેકોર્ડ્સનું હસ્તાંતરણ થશે. પોરબંદર વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી મોબાઈલ સ્ક્વોડની જવાબદારી પણ સંભાળશે.

(11:29 AM IST)