<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

રાજકોટના કબા ગાંધીના ડેલા અને સાબરમતી આશ્રમનો વહીવટ બદલાયો : શિક્ષણ વિભાગના બદલે હવે સાંસ્કૃતિક વિભાગના હસ્તક

સરકારનો મહત્ત્વનો નિર્ણય : વર્ષ ૨૦૨૬-૨૭ની ગ્રાન્ટ શિક્ષણ વિભાગ આપશે, વર્ષ ૨૦૨૭-૨૮થી નવા વિભાગની જવાબદારી

રાજકોટ : મહાત્મા ગાંધીજીના જીવન અને વિચારો સાથે સંકળાયેલી ગુજરાતની બે મહત્ત્વપૂર્ણ સંસ્થાઓના વહીવટમાં રાજ્ય સરકારે ફેરફાર કર્યો છે. અમદાવાદના સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટ તથા રાજકોટના કબા ગાંધીના ડેલા સાથે સંકળાયેલા ગાંધી સ્મૃતિ ટ્રસ્ટનો વહીવટ હવે શિક્ષણ વિભાગના બદલે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સંભાળશે.

 

મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો અને વારસાના જતનને લગતી પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક વિભાગના કાર્યક્ષેત્ર સાથે વધુ સુસંગત હોવાનું રાજ્ય સરકારે માન્યું છે. શાળાઓના કમિશનરની દરખાસ્ત બાદ આ અંગે વહીવટી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રમતગમત અને સાંસ્કૃતિક વિભાગે એપ્રિલ મહિનામાં આ સંસ્થાઓનો વહીવટ સંભાળવા સંમતિ દર્શાવી હતી.

 

સરકારની મંજૂરી બાદ શિક્ષણ વિભાગે ઔપચારિક આદેશ બહાર પાડ્યો છે. જોકે, નાણાકીય વ્યવસ્થા તબક્કાવાર બદલાશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ગ્રાન્ટ અને નાણાકીય જોગવાઈઓની જવાબદારી શિક્ષણ વિભાગ પાસે રહેશે, જ્યારે વર્ષ ૨૦૨૭-૨૮થી નવા વિભાગે બજેટની જવાબદારી સંભાળવાની રહેશે.

 

(10:10 PM IST)