તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
વર્ષો જુના બિલ ચૂકવવા બાકી :વલસાડ પાલિકા સામે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જપ્તીનું વોરંટ જારી કરતા દોડધામ
કેસ વર્ષો સુધી ચાલ્યો અને અંતે કોર્ટે કોન્ટ્રાક્ટરની તરફેણમાં ચુકાદો આપતા નગરપાલિકાને વ્યાજ સાથે નાણાં ચૂકવવાનો આદેશ કર્યો છતાં આ આદેશનું પાલન ન થતા જંગમ મિલકતો જપ્ત કરવાનું વોરંટ જારી

વલસાડ નગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા નાણાકીય વિવાદમાં કોર્ટે કડક વલણ અપનાવતા પાલિકાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વર્ષો જૂના કોન્ટ્રાક્ટના બિલોની ચુકવણી કરવામાં નિષ્ફળ રહેલી પાલિકા સામે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જપ્તીનું વોરંટ જારી કરતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કાયદાકીય પ્રક્રિયાના અંતે કોર્ટે લીધેલા આ આકરા પગલાને કારણે સરકારી કચેરીઓમાં ચર્ચા જાગી છે.
વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકામો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કામો પૂર્ણ થયા હોવા છતાં, અંદાજે 23 લાખ રૂપિયા જેટલી રકમની ચુકવણી પાલિકા દ્વારા કરવામાં આવી નહોતી. કોન્ટ્રાક્ટરે વારંવાર રજૂઆત કરવા છતાં જ્યારે પરિણામ ન મળ્યું, ત્યારે તેમને ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી હતી. આ કેસ વર્ષો સુધી ચાલ્યો અને અંતે કોર્ટે કોન્ટ્રાક્ટરની તરફેણમાં ચુકાદો આપતા નગરપાલિકાને વ્યાજ સાથે નાણાં ચૂકવવાનો આદેશ કર્યો હતો.
પાલિકા દ્વારા આ આદેશનું પાલન ન થતા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વલસાડ નગરપાલિકાની જંગમ મિલકતો જપ્ત કરવાનું વોરંટ જારી કર્યું હતું. જ્યારે કોર્ટના બેલિફ આ વોરંટની બજવણી કરવા અને મિલકતો જપ્ત કરવા પાલિકા કચેરીએ પહોંચ્યા, ત્યારે સત્તાધીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા, નગરપાલિકાના ચીફ ઓફિસરે લેખિતમાં બાંહેધરી આપી છે કે કોન્ટ્રાક્ટરના બાકી નીકળતા તમામ નાણાં ટૂંક સમયમાં જ ચૂકવી દેવામાં આવશે. આ લેખિત ખાતરી બાદ હાલ પૂરતી જપ્તીની કાર્યવાહી અટકી છે, જો આગામી દિવસોમાં બાંહેધરી મુજબ નાણાં નહીં ચૂકવાય, તો પાલિકાએ ફરીથી જપ્તીની શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
