<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

કોઇપણ પ્રકારનો નશો વ્‍યકિતની વિચારશકિત, સ્‍વાસ્‍થ્ય અને ભવિષ્‍યને બરબાદ કરી દે છેઃ જગદીશ વિશ્‍વકર્મા

‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ નો વર્ચ્યુઅલ માધ્યમથી દેશવ્યાપી શુભારંભ કરાવતા નરેન્‍દ્રભાઇ મોદી: ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ અંતર્ગત અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાનનો  શુભારંભ કરાવતા દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'નું લક્ષ્ય હાસલ કરવા માટે દેશના યુવાનોનું શારીરિક અને માનસિક રીતે ફિટ હોવું અત્યંત અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે નશા વિરુદ્ધનો આ પ્રયાસ જ્યારે સામૂહિક જન આંદોલન બનશે, ત્યારે દેશમાં એક મોટી શક્તિનો ઉદય થશે, જે સાંસ્કૃતિક મૂલ્યો અને વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી આગળ વધશે.
 નરેન્દ્રભાઈ મોદીએ પરિવારો અને વાલીઓને ડર કે સંકોચ છોડીને બાળકો સાથે ખુલ્લો સંવાદ રાખવા અપીલ કરી હતી, જેથી તેમના વર્તનમાં આવતા નકારાત્મક બદલાવોને સમયસર ઓળખી શકાય. આ સાથે જ, તેમણે દેશની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને પણ શૈક્ષણિક કેમ્પસમાં નશાના જોખમો સામે સતત જાગૃતિ ફેલાવવા અને યુવાનોને આ 100 સપ્તાહના અભિયાનમાં સક્રિયપણે જોડવા માટે આહવાન કર્યું હતું.
પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ આ સમસ્યાના ઉકેલ માટે તેમણે સામાજિક મૂલ્યોની સાથે તબીબી સહાય અને નિષ્ણાતોની સલાહ લેવા પર પણ ભાર મૂક્યો હતો. સાથોસાથ, તેમણે સમાજને અપીલ કરી કે જે યુવાનો નશાની લતમાંથી બહાર આવવા માંગે છે કે આવી ચૂક્યા છે, તેમનો તિરસ્કાર કરવાને બદલે તેમની તરફ કરુણા દાખવી પૂરો સહકાર આપવામાં આવે.  નરેન્દ્રભાઇ મોદીએ મોદીએ દેશના યુવાનોને માત્ર નશાથી દૂર રહેવા જ નહીં, પરંતુ પોતાના વિસ્તારમાં Ambassadors of Positive Social Change બનીને અન્ય લોકોને પણ આ જાગૃતિ અભિયાનમાં જોડવા માટે હાકલ કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં  જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી હંમેશાં દેશના યુવાનોને વિકસિત ભારતના મજબૂત પાયાના શિલ્પી તરીકે જુએ છે. વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં યુવાનોની સૌથી મોટી અને નિર્ણાયક ભૂમિકા રહેશે. તેથી યુવા શક્તિએ નશાના તમામ પ્રકારોથી દૂર રહી પોતાની શક્તિ, સમય અને પ્રતિભાનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણમાં કરવો જોઈએ.
 તેમણે કહ્યું  કે, માનસિક તણાવ કે અન્ય કારણોસર યુવાનો કોઈપણ પ્રકારના નશાનો આશરો ન લે, તે અત્યંત આવશ્યક છે. કોઈપણ પ્રકારનો નશો વ્યક્તિની વિચારશક્તિ, સ્વાસ્થ્ય અને ભવિષ્યને બરબાદ કરી દે છે. દારૂ અને નશીલા પદાર્થોના સેવનથી અનેક ગંભીર બીમારીઓ સર્જાય છે અને અનેકોને પોતાનું અમૂલ્ય જીવન ગુમાવવું પડે છે. સંતાનોને સારા સંસ્કાર, ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે માતા-પિતા જીવનભર પરિશ્રમ કરતા હોય છે. બાળકની જરૂરિયાતો તે કહે તે પહેલાં જ માતા-પિતા સમજી લેતા હોય છે, પરંતુ સંતાનો મોટા થયા પછી માતા-પિતાની લાગણીઓ અને તેમની ખુશીની ચિંતા કરવી પણ એટલી જ જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે, દરેક યુવાને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહી એવું જીવન જીવવું જોઈએ કે પરિવારને સારવાર માટે દુઃખ અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમણે દરેક યુવાન પોતે કોઈપણ પ્રકારનો નશો નહીં કરે તેમજ ઓછામાં ઓછા પાંચ મિત્રોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરશે તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. નશામુક્ત ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનીને સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌએ એકજૂટ થઈ કાર્ય કરવા તેમણે હાકલ કરી હતી.
 પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના દ્વારા કરોડો પરિવારોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડી છે. ગુજરાત સરકાર પણ રાજ્યના કરોડો નાગરિકોને તેમાં વધારાની આરોગ્ય સહાય પૂરી પાડીને સામાન્ય સ્પરિવારોને આર્થિક સંકટમાંથી બચાવવાનું કાર્ય કરી રહી છે. આ યોજનાના લાભાર્થીઓને રાજ્યમાં રૂ.૧૦ લાખનું આરોગ્ય કવચ મળી રહ્યું છે.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેષભાઇ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઇ શાહ સહિત અગ્રણીઓ સાધુ-સંતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(2:22 PM IST)