તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (Charusat)ની સિદ્ધિ: ફેકલ્ટી ઓફ સાયન્સીસના ડીન ડૉ. ગાયત્રી દવેની ભારતીય આર્કટિક અભિયાન 2026-27 માટે પસંદગી, ગુજરાતની પ્રથમ મહિલા વૈજ્ઞાનિક બન્યા
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા પસંદગી પામેલી ડૉ. દવે ઉત્તર ધ્રુવના સ્વાલબાર્ડ ખાતે હિમાદ્રી રિસર્ચ સ્ટેશન પર રહીને ક્લાઈમેટ ચેન્જ અને માઈક્રોબાયલ રિસર્ચ કરશે, Charusat માટે ગૌરવની ક્ષણ

(ચાંગા તા.૧૫
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (Charusat) માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સીસના ડીન અને પી. ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સિસના એસોસિએટ પ્રોફેસર ડૉ. ગાયત્રી દવેની ભારતીય આર્કટિક અભિયાન 2026-27 માટે પસંદગી થઈ છે. તેઓ ગુજરાતમાંથી આ અભિયાન માટે પસંદ થનારા પ્રથમ મહિલા વૈજ્ઞાનિક છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ (NCPOR) દ્વારા આયોજિત આ અભિયાન અંતર્ગત ડૉ. દવે ઉત્તર ધ્રુવ પ્રદેશમાં નોર્વેના સ્વાલબાર્ડ દ્વીપસમૂહ ખાતે આવેલા ભારતના હિમાદ્રી રિસર્ચ સ્ટેશન પર સંશોધન કરશે. તેઓ આર્કટિક ક્ષેત્રમાં ક્લાઈમેટ ચેન્જ, ઇકોસિસ્ટમ એડેપ્ટેશન અને માઈક્રોબાયોલોજી ક્ષેત્રે સંશોધન કરશે.
ડૉ. ગાયત્રી દવે માઈક્રોબાયોલોજિસ્ટ છે અને બેક્ટેરિયાનો ઉપયોગ કરીને નવી પ્રક્રિયા અને ઉત્પાદનો વિકસાવવામાં તેમની વિશેષ રુચિ છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી 2014માં Ph.D. કર્યું છે અને 2007થી Charusatમાં ફરજ બજાવે છે. તેઓ હાલ એસોસિએટ પ્રોફેસર અને ફેકલ્ટી ઓફ સાયન્સીસના ડીન તરીકે કાર્યરત છે. તેમના 20થી વધુ સંશોધન પેપર પ્રકાશિત થયા છે અને તેઓ 7 h-index ધરાવે છે.
ભારત 2008થી આર્કટિકમાં હિમાદ્રી રિસર્ચ બેઝ ધરાવે છે. શરૂઆતમાં માત્ર ઉનાળામાં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન વૈજ્ઞાનિકો ત્યાં રોકાતા હતા, પરંતુ ડિસેમ્બર 2023થી ભારતે આર્કટિકમાં શિયાળુ અભિયાન શરૂ કરીને વર્ષભર હાજરી સ્થાપિત કરી છે. ધ્રુવીય રાત્રિમાં 24 કલાક અંધારું અને -15 ડિગ્રી સુધીનું તાપમાન હોય છે. આવા કપરા વાતાવરણમાં ક્લાઈમેટ ચેન્જ, સી-આઈસ અને ઓશન સર્ક્યુલેશન ડાયનેમિક્સ જેવા વિષયો પર સંશોધન કરવામાં આવે છે.
આર્કટિક અને હિમાલય વચ્ચે સીધો સંબંધ છે. આર્કટિકમાં થતું પીગળવું હિમાલયના હિમનદીઓના પીગળવાને સમજવામાં મદદ કરે છે. હિમાલયને 'ત્રીજો ધ્રુવ' કહેવાય છે કારણ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પછી સૌથી વધુ તાજા પાણીનો જથ્થો અહીં છે. આર્કટિકનો બરફ દર દાયકાએ 13%ના દરે ઘટી રહ્યો છે અને 2040 સુધીમાં ઉનાળામાં આર્કટિક મહાસાગર બરફમુક્ત થઈ શકે છે. આ ફેરફારોની સીધી અસર ભારતના ચોમાસા પર પડે છે.
Charusatના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય અને રજિસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશીએ ડૉ. ગાયત્રી દવેને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું કે તેમની પસંદગી સમગ્ર યુનિવર્સિટી અને ગુજરાત માટે ગૌરવની વાત છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
