<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

નર્મદા જિલ્લામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

₹3.40 લાખનો દંડ, ભોગ બનનારને ₹4 લાખ વળતર ચૂકવવાનો હુકમ

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નવાપુરા ગામના આરોપી અજયભાઈ સહદેવભાઈ ઉર્ફે કાળુભાઈ ભીલને સગીરા પર દુષ્કર્મના કેસમાં નર્મદા જિલ્લા સેશન્સ અદાલતે 20 વર્ષની સખત કેદ અને ₹3.40 લાખના દંડની સજા ફટકારી છે. દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ 1 વર્ષની સાદી કેદ ભોગવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર પેટે ₹4 લાખ ચૂકવવાનો હુકમ પણ અદાલતે કર્યો છે.
કેસની હકીકત એવી છે કે  28 જૂન, 2022ના રોજ સાંજે આશરે 5 વાગ્યે ભોગ બનનાર સગીરા કપાસના ખેતરમાં કામ કરી રહી હતી. તે દરમિયાન આરોપીએ તેને બળજબરીથી પકડી મરજી વિરુદ્ધ કૃત્ય કર્યું હતું. ત્યારબાદ ભોગ બનનારે ઘરે આવી પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસમાં નર્મદા જિલ્લા સેશન્સ જજ  કે. આર. પંડ્યાની અદાલતે આરોપીને ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. અદાલતી કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ જિતેન્દ્રસિંહ  જે. ગોહિલે ફરિયાદી પક્ષે દલીલો રજૂ કરી હતી. તેમણે સાક્ષીઓની જુબાની, દસ્તાવેજી પુરાવા તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા. તમામ પુરાવાઓને ધ્યાને લઈ નામદાર અદાલતે આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી.

(10:17 PM IST)