તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
સુરતમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મનો આરોપ, ₹3.35 લાખ પડાવ્યા બાદ ઓળખ છુપાવ્યાનો આક્ષેપ
પરણિત અને બે બાળકોના પિતા હોવાની હકીકત છુપાવી સંબંધ બાંધ્યાનો આરોપ; SC/ST એક્ટ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો

સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં એક યુવતીની ફરિયાદના આધારે રાજકોટના યુવક વિરુદ્ધ દુષ્કર્મ, છેતરપિંડી, ધમકી અને અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ પોતાની સાચી ઓળખ અને વૈવાહિક સ્થિતિ છુપાવી લગ્નનો વિશ્વાસ અપાવી યુવતી સાથે સંબંધ બાંધ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, રાજકોટના ગોંડલ રોડ સ્થિત P&T કોલોનીમાં રહેતા સોમીલ સલમીનભાઈ મકવાણાએ સપ્ટેમ્બર-2025 દરમિયાન ફરિયાદી યુવતી સાથે પરિચય કેળવ્યો હતો. યુવતીનો આક્ષેપ છે કે આરોપીએ પોતે હિન્દુ હોવાનું જણાવી વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં લગ્ન કરવાની વાતો કરી નજીકનો સંબંધ બનાવ્યો હતો.
ફરિયાદ અનુસાર, આરોપીએ વેસુ વિસ્તારમાં આવેલી એક હોટલ તેમજ બાદમાં દ્વારકાની હોટલમાં યુવતીની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી બનતા આરોપીએ લગ્ન પહેલાં ગર્ભપાત કરાવવાનો દબાણ કર્યો હતો. યુવતીના જણાવ્યા મુજબ, તેના કહેવાથી ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આરોપીએ અલગ-અલગ સમયે યુવતી પાસેથી કુલ ₹3.35 લાખ મેળવ્યા હોવાનો પણ આક્ષેપ છે. સાથે જ યુવતીની બહેનના અસલ દસ્તાવેજો પણ પોતાની પાસે રાખી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપી પહેલેથી જ પરણિત છે અને બે બાળકોનો પિતા છે, છતાં તેણે આ હકીકત છુપાવી હતી. જ્યારે યુવતીને આ બાબતની જાણ થઈ અને તેણે વિરોધ નોંધાવ્યો ત્યારે આરોપીએ તેની જાતિ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી, ગાળાગાળી કરી તેમજ અંગત ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(M), 351(3), 352 તેમજ અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કેસની વધુ તપાસ SC/ST સેલના મદદનીશ પોલીસ કમિશનર એમ.ડી. ઉપાધ્યાય દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ફરિયાદમાં કરાયેલા આક્ષેપોના આધારે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
