<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

અમદાવાદના ઘુમા વિસ્તારમાંથી 11 લાખના હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવાયો

અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને બોપલ પોલીસે સંયુક્ત ઓપરેશન :આરોપી પોતાના જ ઘરમાંથી નશાના આ કાળા કારોબારનું છૂટક નેટવર્ક ચલાવતો

અમદાવાદમાં નશાના કારોબારીઓ સામે પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને બોપલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઘુમા વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતના હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી પોતાના જ ઘરમાંથી નશાના આ કાળા કારોબારનું છૂટક નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, ઘુમા બ્રિજ પાસે આવેલા સૂર્યાનગરમાં એક વ્યક્તિ નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે બોપલ પોલીસને સાથે રાખીને સૂર્યાનગરમાં આવેલા મકાન પર રેડ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે મૂળ સુરેન્દ્રનગરના અને હાલ ઘુમા ખાતે રહેતા રાજુભાઈ સાપરા નામના આરોપીને દબોચી લીધો હતો.

પોલીસે આરોપીના ઘરમાંથી 331 ગ્રામ શંકાસ્પદ પદાર્થ જપ્ત કર્યો હતો, જેની FSL તપાસ કરાવતા તે પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના હાઇબ્રીડ ગાંજાની અંદાજિત કિંમત 11.58 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડ્રગ્સ જોખવા માટેનો વજન કાંટો મળીને કુલ 11.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(9:04 PM IST)