તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનાર ગમખ્વાર અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી બે વર્ષ બાદ મળ્યા નિયમિત જામીન
સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા અને દેશ ન છોડવાની શરતે આપી રાહત: હાઈકોર્ટે ફગાવી હતી જામીન અરજી, 140ની સ્પીડે થાર ચલાવતા સર્જાયો હતો અકસ્માત

અમદાવાદ તા.૨૭ : અમદાવાદ શહેરને હચમચાવી નાખનાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલની નિયમિત જામીન અરજી મંજૂર કરી છે. લગભગ 2 વર્ષથી સાબરમતી જેલમાં રહેલા તથ્ય પટેલને કોર્ટે શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
19 જુલાઈ 2023ના રોજ રાત્રે ઇસ્કોન બ્રિજ પર થાર કારથી તથ્ય પટેલે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 13થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે અકસ્માત સમયે તથ્ય પટેલ સગીર હતો અને 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે કાર હંકારી રહ્યો હતો. બ્રિજ પર પહેલાથી થયેલા અકસ્માતને જોવા ઉભેલા લોકોના ટોળા પર થાર કાર ચડી ગઈ હતી.
આ કેસમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે હત્યા, બેદરકારીથી વાહન ચલાવવું સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે અગાઉ તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તથ્યના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તથ્ય પટેલને નિયમિત જામીન મંજૂર કર્યા છે. કોર્ટે જામીન આપતી વખતે સ્પષ્ટ શરતો મૂકી છે કે તથ્ય પટેલે પોતાનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવો પડશે, કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં અને કેસના કોઈપણ સાક્ષીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.
આ અકસ્માત બાદ રાજ્ય સરકારે નશામાં અને બેફામ વાહન ચલાવનારાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે સઘન ચેકિંગ અને સ્પીડ ગનથી વાહનોની ગતિ ચકાસવાની કામગીરી તેજ કરવામાં આવી હતી. હાલ આ કેસ અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
