News of Monday, 1st June 2026
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાં દેશના ૧૯ મેટ્રો શહેરોમાં સુરત સૌથી સુરક્ષિત પુરવાર : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આઈપીસી ક્રાઈમ રેટ માત્ર ૨૭૫ નોંધાયો
દિલ્હી કરતા ૭ ગણો અને જયપુર કરતા ૩ ગણો ઓછો ગુના દર ધરાવતા સુરતમાં સેક્ટર-૧, સેક્ટર-૨ના સંયુક્ત પોલીસ કમિશનર સહિત ક્રાઈમ, ટ્રાફિક અને એસઓજીના નાયબ પોલીસ કમિશનરોની સતર્ક કામગીરીથી લૂંટ, ચોરી અને મહિલા સુરક્ષામાં શહેર દેશમાં અવ્વલ

સુરત: નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરવામાં આવેલા "ક્રાઈમ ઈન ઈન્ડીયા 2024"ના સત્તાવાર આંકડા મુજબ, ૨૦ લાખથી વધુ વસ્તી ધરાવતા દેશના ૧૯ મેટ્રોપોલિટન શહેરોમાં સુરત શહેર ગુનાખોરીના દરમાં સૌથી સુરક્ષિત શહેર તરીકે ઉભરી આવ્યું છે. સુરત પોલીસની સતર્ક કામગીરી અને અસરકારક ક્રાઈમ કન્ટ્રોલના કારણે શહેરમાં શાંતિ અને સલામતીનું ઉત્કૃષ્ટ વાતાવરણ જળવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રોહિબિશનના આંકડાને આધારે ફેલાવવામાં આવતા ભ્રામક પ્રચારથી નાગરિકોને દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
પ્રોહિબિશનના કેસોને બાદ કરતાં સુરતનો વાસ્તવિક ગુના દર દેશમાં સૌથી નીચો:
NCRB રિપોર્ટમાં સુરતનો કુલ ક્રાઈમ રેટ ૧૩૭૭.૭ દર્શાવાયો છે, પરંતુ આ આંકડાની વાસ્તવિક હકીકત કંઈક અલગ છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાથી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ સંખ્યામાં ગુના નોંધવામાં આવે છે, જેમાં સુરતમાં ૩૩,૯૪૩ કેસોનો સમાવેશ થાય છે. જો માત્ર ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળના મુખ્ય ગુનાઓ જ ગણવામાં આવે તો સુરતનો ક્રાઈમ રેટ માત્ર ૨૭૫.૦ છે. આ દર દિલ્હી (૧૯૮૮.૦), જયપુર (૮૦૨.८), નાગપુર (૬૩૨.૦) અને લખનઉ (૫૩.૨) કરતા અનેક ગણો ઓછો છે અને આ શ્રેણીમાં ૧૯ મેટ્રો શહેરોમાં સુરત ૧૬મા ક્રમે એટલે કે સૌથી સુરક્ષિત સ્થાને છે.
મુખ્ય ગુનાઓની રાષ્ટ્રીય સ્તરે તુલનાત્મક આંકડાકીય સ્થિતિ:
રિપોર્ટ અનુસાર વિભિન્ન શ્રેણીમાં સુરતનો ગુના દર અન્ય શહેરો અને દેશની સરેરાશ કરતાં ખૂબ જ ઓછો નોંધાયો છે. કુલ IPC ગુનાઓમાં સુરતનો દર ૨૭૫.૦ છે, જ્યારે દેશનો સરેરાશ દર ૪૩૨.૨ છે. હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ જેવા હિંસક ગુનામાં સુરતનો દર ૨૩.૭ છે, જે દેશની સરેરાશ ૪૫.૨ અને દિલ્હીના ૬૪.૭ કરતાં ઘણો નીચો છે. શરીર સંબંધી ગુનામાં સુરતનો દર ૨૭.૫ છે જ્યારે દેશનો સરેરાશ દર ૪૭.૫ અને દિલ્હીનો દર ૪૨.૪ નોંધાયો છે. અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં પણ સુરતનો દર અનુક્રમે ૫.૭ અને ૪.૩ છે, જે રાષ્ટ્રીય સરેરાશ અનુક્રમે ૧૨.૦ અને ૭.૨ કરતાં ઘણો ઓછો છે. આ ઉપરાંત મિલકત સંબંધી ગુનાનો દર ૫૨.૬ છે જે દેશની સરેરાશ ૧૧૫.૯ અને દિલ્હીના ૧૩૭૩.૭ ની સામે ખૂબ જ નીચો છે.
મહિલા સુરક્ષા, લૂંટ અને ચોરીમાં સુરત સમગ્ર દેશમાં મોખરે:
અહેવાલના મુખ્ય તારણો દર્શાવે છે કે સુરતમાં મહિલાઓ સામેના ગુનાનો દર ૩૭.૬ છે, જે દિલ્હીના ૧૮૧.૦ કરતા લગભગ ૫ ગણો ઓછો છે, જેના કારણે મોડી રાતે પણ મહિલાઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે છે. લૂંટ અને ચોરીના ગુના પણ નહિવત સમાન છે. સુરતમાં ચોરીનો દર ૩૮.૯ છે જ્યારે દિલ્હીમાં આ દર ૧૨८૮.૬ છે, એટલે કે સુરતમાં ચોરી ૩૩ ગણી ઓછી થાય છે. તેવી જ રીતે દિલ્હીમાં લૂંટનો દર ૨૬.૦ છે તેની સામે સુરતમાં લૂંટનો દર ૩૭ ગણો ઓછો એટલે કે માત્ર ૦.૭ છે, જે ૧૯ મેટ્રો શહેરોમાં ૧૮મા ક્રમે સૌથી શ્રેષ્ઠ સ્થિતિ દર્શાવે છે.
સમગ્ર પોલીસ તંત્રની સહિયારી મહેનત રંગ લાવી:
હીરા અને કાપડ ઉદ્યોગની વૈશ્વિક ઓળખ ધરાવતું સુરત શહેર સુદૃઢ કાયદો અને વ્યવસ્થા માટે પણ જાણીતું બન્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સક્ષમ માર્ગદર્શન હેઠળ ચાલતી "ક્રાઈમ પ્રિવેન્શન" અને "ડિટેક્શન"ની આધુનિક કામગીરી, ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ અને કોમ્યુનિટી પોલિસિંગ આ સફળતાના મુખ્ય આધારસ્તંભ છે. શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સેક્ટર-૧ અને સેક્ટર-૨ના સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઈમ અને ટ્રાફિક શાખાના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના નાયબ પોલીસ કમિશનર તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફે રાત-દિવસ એક કરીને ભારે મહેનત કરી છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
