News of Tuesday, 22nd September 2026
ખેરાલુ-સતલાસણા હાઇવે પર અરઠી પાટિયા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત: 4 લોકો ઈજાગ્રસ્ત : 2 ગંભીર
અરઠી ગામના સરપંચ તથા નિવૃત્ત DySP એમ.ડી. ચૌધરી સહિતના સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા

મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઇવે પર આવેલા અરઠી પાટિયા નજીક બે મોટરસાઇકલ વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં બંને બાઇક પર સવાર કુલ 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ અરઠી ગામના સરપંચ તથા નિવૃત્ત DySP એમ.ડી. ચૌધરી સહિતના સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
ઘટનાની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તમામ 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા હતા, જ્યાં તબીબો દ્વારા તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ઈજાગ્રસ્તોના પરિવારજનો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ખેરાલુ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને વધુ અને ગહન સારવારની જરૂર હોવાથી તેઓને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્તોમાં ખેરાલુ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનના પતિ અને પુત્ર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ અને હોસ્પિટલ પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
