News of Friday, 8th May 2026
અંબાજી-આબુરોડ માર્ગ પર સરહદ છાપરી પાસે ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત :ટ્રક પલટી મારી ગયો:7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત
સ્થાનિકોની માંગ છે કે આ માર્ગ પર સુરક્ષાના યોગ્ય પગલાં અને સાઈન બોર્ડ લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગમખ્વાર અકસ્માતો રોકી શકાય.

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી નજીક આવેલા ઘાટી વિસ્તારમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આબુરોડ માર્ગ પર સરહદ છાપરી નજીક એક બેકાબૂ ટ્રક અને જીપ વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રક રસ્તામાં જ ઊંધો વળી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સદનસીબે, આટલા મોટા અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ગયો નથી, જેના કારણે તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.
આ અકસ્માતમાં જીપમાં સવાર અંદાજે 7 થી 8 લોકોને ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે 108 ની 2 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. પેરામેડિકલ સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક નજીકની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને હળવી કરવા માટે સ્થાનિક પોલીસ પણ કામે લાગી હતી.
, અંબાજી આસપાસનો ડુંગરાળ વિસ્તાર અને ઘાટીઓ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. અવારનવાર આ માર્ગો પર વળાંકો અને ઢાળને કારણે અકસ્માતો થતા રહે છે. ખાસ કરીને ભારે વાહનો નિયંત્રણ ગુમાવતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે આ માર્ગ પર સુરક્ષાના યોગ્ય પગલાં અને સાઈન બોર્ડ લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગમખ્વાર અકસ્માતો રોકી શકાય. હાલમાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
