તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
પાનોલીમાં એસીબીની સફળ ટ્રેપ : ₹૧ લાખની લાંચ લેતા સાગરભાઈ ચાવડા, અનિરુદ્ધભાઈ ધાધલ અને જયદીપસિંહ પરમાર નામના ૩ પોલીસકર્મીઓ રંગેહાથ ઝડપાયા
ભરૂચ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે અને ટીમે પ્રોહિબિશન કેસમાં જપ્ત થયેલો મોબાઈલ પરત આપવા લાંચ માંગનાર પોલીસ ક્વાર્ટર્સના કર્મચારીઓની કથિત કરતૂત ખુલ્લી પાડી

ભરૂચ: સીસીઆરબી અને ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (એસીબી) દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ હેઠળ ભરૂચ જિલ્લાના પાનોલીમાં એક મોટી સફળતા મળી છે. ૧૦૬૪ ટોલ ફ્રી નંબરના માધ્યમથી સક્રિય થયેલી એસીબીની ટીમે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને ₹૧,૦૦,૦૦૦/- ની લાંચ લેતા અને લાંચની માંગણી કરવાના ગુનામાં રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોબાઇલ ફોન પરત આપવાના અવેજમાં ₹૩ લાખની માંગણી કરાઈ હતી:
આ ગુનાની ટૂંકી વિગત એવી છે કે, આ કેસના જાગૃત નાગરિક અને ફરિયાદી વિરુદ્ધ અગાઉ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં કાયદેસરની કાર્યવાહી બાદ તેઓને સબજેલ ખાતે મોકલવામાં આવ્યા હતા. બાદમાં ફરિયાદી જામીન પર મુક્ત થતાં, કબ્જે કરાયેલો પોતાનો મોબાઇલ ફોન પરત મેળવવા માટે પાનોલી પોલીસ સ્ટેશન આવ્યા હતા. અહીં તેઓ અંકલેશ્વર શહેર પોલીસ લાઈનમાં રહેતા અને મૂળ કોટડાસાંગાણી રાજકોટના વતની આર્મ હેડ કોન્સ્ટેબલ (વર્ગ-૩) અનિરુદ્ધભાઈ વલકુભાઈ ધાધલ તથા અંકલેશ્વર શહેર પોલીસ લાઈનના રૂમ નંબર ૬૫માં રહેતા અને મૂળ મૂળી સુરેન્દ્રનગરના વતની આર્મ હેડ કોન્સ્ટેબલ (વર્ગ-૩) જયદીપસિંહ સુખદેવસિંહ પરમારને મળ્યા હતા. આ બંને કર્મચારીઓએ મોબાઈલ પરત આપવા માટે ₹૩,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
₹૧ લાખના ત્રણ હપ્તા બાંધી પ્રથમ હપ્તો સ્વીકારતા જ ટ્રેપ સફળ:
ફરિયાદીએ એકસાથે આટલી મોટી રકમની વ્યવસ્થા ન થઈ શકે તેમ જણાવતા, આરોપી અનિરુદ્ધભાઈ ધાધલે ₹૧ લાખના ત્રણ હપ્તા બાંધી આપ્યા હતા. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભરૂચ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે ૧૪ જુલાઈ ૨૦૨૬ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા કન્ટેઈનરમાં સ્થિત “ડી” સ્ટાફની ચેમ્બરમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન ફરિયાદીએ અનિરુદ્ધભાઈ ધાધલ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ અનિરુદ્ધભાઈએ પાનોલી પોલીસ સ્ટેશનના લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-૩) અને હાલ અંકલેશ્વરના કોસમડી ખાતે રહેતા મૂળ શિહોર ભાવનગરના વતની સાગરભાઈ કરણભાઈ ચાવડાને પૈસા આપવા જણાવ્યું હતું. સાગરભાઈ ચાવડાએ ફરિયાદી પાસેથી ₹૧,૦૦,૦૦૦/- નો પ્રથમ હપ્તો સ્વીકારતા જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો અને ત્રણેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ સ્વીકારવાનો ગુનો આચરતા તમામને કસ્ટડીમાં લેવાયા છે.
ઉચ્ચ એસીબી અધિકારીઓના સુપરવિઝન હેઠળ સફળ ઓપરેશન:
આ સમગ્ર સફળ ટ્રેપ ઓપરેશન ભરૂચ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે તથા તેમના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર રેડનું સુપરવિઝન વડોદરા એકમના એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ.એન. પ્રજાપતિ તથા વડોદરા એસીબીના ઇન્ચાર્જ નાયબ નિયામક આર.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પોલીસે લાંચની સ્વીકારેલી ₹૧,૦૦,૦૦૦/- ની પૂરેપૂરી રકમ રિકવર કરીને ત્રણેય લાંચિયા પોલીસકર્મીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
