તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
અમદાવાદમાં એસીબીનું સફળ છટકું : 'એલ' ટ્રાફિક પો.સ્ટે.ના એએસઆઈ મુકેશજી જીવણજી રાજપુત રૂ. ૧૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
સુભાષ બ્રિજ પોલીસ ચોકી પાસે શ્રીજી ચાય વાલાની દુકાનમાં લાંચ સ્વીકારતા કાર્યવાહી : એસીબીના પીઆઈ કે.એન.સોલંકી અને ટિમ દ્વારા, મદદનિશ નિયામક એમ.એચ.પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ દરોડો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરીને “એલ” ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશજી જીવણજી રાજપુતને રૂ. ૧૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. અકસ્માત અંગેની અરજી દફતરે કરવાના બદલામાં લાંચ માંગનાર પોલીસ કર્મચારી સામે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આ સફળ ટ્રેપ કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, ફરિયાદીના અસીલ વિરુદ્ધ “એલ” ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેની એક અરજી આવેલી હતી, જેની તપાસ એએસઆઈ મુકેશજી જીવણજી રાજપુત કરી રહ્યા હતા. આ અરજીનો નિકાલ કરવા અને તેને દફતરે કરવાના બદલામાં મુકેશજી રાજપુતે ફરિયાદી પાસે રૂ. ૧૦,૦૦૦ (અંકે રૂપિયા દસ હજાર પૂરા) ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરીને આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીની ટીમે ૨૮ જુલાઈ ૨૦૨૬ ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. સુભાષ બ્રિજ પોલીસ ચોકીની બાજુમાં આવેલી શ્રીજી ચાય વાલાની દુકાનની અંદર આરોપી મુકેશજી જીવણજી રાજપુતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૧૦,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારતા જ સ્થળ પર હાજર એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા અને લાંચની સંપૂર્ણ રકમ રૂ. ૧૦,૦૦૦ રિકવર કરી ગુનો નોંધ્યો હતો.
આ સફળ ટ્રેપિંગ કામગીરી અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.એન.સોલંકી તથા તેમની સ્ટાફની ટીમે પાર પાડી હતી. આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન એસીબી અમદાવાદ એકમના મદદનિશ નિયામક એમ.એચ.પુવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આ ઓપરેશનના ઈન્ચાર્જ અધિકારી તરીકે એસીબી અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડા રહ્યા હતા.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
