તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
ACB એ આણંદમાં ગોઠવી સફળ ટ્રેપ : SOG PSI વી.એન. રાઠોડ અને દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ પટેલ વતી બે લાખની લાંચ સ્વીકારનાર ઝડપાયો : કારમાંથી ૪૯ લાખની શંકાસ્પદ રોકડ પણ જપ્ત
ફિલ્ડ-૧ અમદાવાદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ અને ટીમની કાર્યવાહી : બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા અને ધરપકડ ન કરવાના બદલામાં માંગવામાં આવી હતી લાંચ

રાજકોટ : ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. આણંદ ખાતે એસીબીની ટીમ દ્વારા એક સફળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા અને ગુનાના કામે ધરપકડ ન કરવાના બદલામાં બે લાખ રૂપિયાની લાંચ સ્વીકારવાના પ્રકરણનો પર્દાફાશ થયો છે. આ મામલે આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ ભીખાભાઈ પટેલને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે આણંદ એસઓજીના પીએસઆઈ વી.એન. રાઠોડ હાજર મળી આવ્યા ન હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાના કામે ફરીયાદીનું ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા અને ફરીયાદીની ધરપકડ ન કરવા માટે એસઓજી આણંદના પીએસઆઈ વી.એન. રાઠોડ અને નાગરિક આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ ભીખાભાઈ પટેલે મળીને બે લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરીને રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે એસીબી, ફીલ્ડ-૧, ગુજરાત રાજ્ય, અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ તથા તેમની ટીમ દ્વારા આજરોજ તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આણંદ એસઓજી ઓફિસની બહાર લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી નં. ૨ એવા દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ ભીખાભાઈ પટેલે એસઓજી ઓફિસના દરવાજા પાસે પોતાની કબજાની મારુતિ સિયાઝ કારમાં ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી અને સ્થળ પર જ પકડાઈ ગયો હતો. આ ટ્રેપ દરમિયાન આરોપી પીએસઆઈ વી.એન. રાઠોડ હાજર મળી આવ્યા ન હતા.
ટ્રેપની કાર્યવાહી બાદ પંચોની રૂબરૂમાં આરોપીની મારુતિ સિયાઝ કારની ઝડતી તપાસ કરવામાં આવતા કારમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કારની તલાશી દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે વ્યવહાર શંકાસ્પદ હોવાનું જણાઈ આવતા રૂ. ૪૯,૦૦,૦૦૦ (અંકે રૂપિયા ઓગણપચાસ લાખ પૂરા) ની રોકડ રકમ મળી આવી હતી, જેને એસીબીની ટીમ દ્વારા કબજે કરવામાં આવી છે. આ સમગ્ર સફળ રેડ અને ટ્રેપિંગની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ તથા એસીબીની ટીમે પાર પાડી છે, અને હાલ આ મામલે આગળની સઘન તપાસ ચાલુ છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
