તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
સુરતમાં એસીબીના સપાટાથી ખળભળાટ : ફટાકડાના લાયસન્સ માટે ૧૧,૦૦૦ રૂપિયાની લાંચ લેતા સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલકુમાર જોશી અને સફાઈ કામદાર શૈલેષભાઇ સોલંકી રંગેહાથ ઝડપાયા
સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન અંતર્ગત પીપલોદ આરોગ્ય કચેરી ખાતે ટ્રેપ ગોઠવીને સુરત ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમે પીએસઆઈ તથા પંચોની ઉપસ્થિતિમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત: સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના અઠવા ઝોન હેઠળ આવતી પીપલોદ આરોગ્ય કચેરીમાં ફટાકડા વેચાણના લાયસન્સ મંજૂર કરવાના બદલામાં ૧૧,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારવાના પ્રકરણમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદારને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે. તા. ૦૨/૧૧/૨૦૨૬ના રોજ બનેલી આ ઘટનાથી સ્થાનિક મહાનગરપાલિકા અને વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
શું હતી સમગ્ર ઘટના?
એસીબી પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસના ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા ફટાકડાના વેચાણ માટેનું અધિકૃત લાયસન્સ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન અંતર્ગત વોર્ડ નં. ૩૭(એ)ની પીપલોદ આરોગ્ય કચેરી ખાતે વિધિવત અરજી કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભે ફટાકડા વેચાણ માટેનું લાયસન્સ આપવાની વહીવટી કાર્યવાહી પૂર્ણ કરવાના અવેજ પેટે સંબંધિત કર્મચારીઓ દ્વારા ફરિયાદી પાસે ૧૧,૦૦૦ રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી.
લાંચ આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો:
ફરીયાદી આ પ્રકારે લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ સતર્ક બનીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદના આધારે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમે નિયમોનુસાર આજરોજ એક સફળ લાંચના છટકા (ટ્રેપ)નું આયોજન કર્યું હતું.
સેનેટરી ઇન્સ્પેક્ટરના કહેવાથી સફાઈ કામદારે સ્વીકારી લાંચ:
આ લાંચના છટકાની કાર્યવાહી દરમિયાન, આરોપી નં. (૧) વિપુલકુમાર જંયતકુમાર જોશી (ઉ.વ. ૫૬, હોદ્દો: સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ-૩, વોર્ડ નં. ૩૭(એ), પીપલોદ અઠવા ઝોન, સુરત મહાનગરપાલિકા) નાઓની સૂચના અને કહેવાથી, આરોપી નં. (૨) શૈલેષભાઇ કીશનભાઇ સોલંકી (ઉ.વ. ૩૭, હોદ્દો: સફાઈ કામદાર વર્ગ-૪, વોર્ડ નં. ૩૭(એ), પીપલોદ અઠવા ઝોન, સુરત મહાનગરપાલિકા) દ્વારા ફરિયાદી પાસેથી લાંચની માંગણી મુજબની પૂરેપૂરી રકમ રૂપિયા ૧૧,૦૦૦/- સ્વીકારવામાં આવી હતી.
બેરોકટોક લાંચ લેતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા:
નાણાં સ્વીકારવાની આ ક્રિયા પૂર્ણ થતાની સાથે જ આસપાસ છૂપી રીતે ગોઠવાયેલી એસીબીની ટ્રેપિંગ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપીઓને પકડી લીધા હતા. ટ્રેપ દરમિયાન લાંચની સમગ્ર રકમ રૂપિયા ૧૧,૦૦૦/- હેમખેમ રીકવર કરી લેવામાં આવી છે. ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
