<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

થરાદ મામલતદાર કચેરીના કરાર આધારિત પટાવાળાને 200 રૂપિયાની લાંચ લેતા ACB ની ટીમે ઝડપી લીધો

રેકોર્ડ રૂમમાં ફરજ બજાવતા કિરીટ સોનીએ આ પ્રમાણિત નકલ આપવાના બદલામાં અરજદાર પાસે 200 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી મામલતદાર કચેરીમાં આજે એસીબીની ટીમે એક સફળ કાર્યવાહી કરતા સરકારી કચેરીઓમાં ફેલાયેલી લાંચ-રુશ્વતની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કચેરીના રેકોર્ડ રૂમમાં ફરજ બજાવતા કરાર આધારિત પટાવાળા કિરીટ સોનીને 200 રૂપિયાની લાંચ લેતા ACB ની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો.

એક અરજદારને પોતાની જમીનની પ્રમાણિત નોંધની નકલ   મેળવવાની હતી. આ સામાન્ય સરકારી કામ માટે અરજદારે મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો. આરોપ છે કે રેકોર્ડ રૂમમાં ફરજ બજાવતા કિરીટ સોનીએ આ પ્રમાણિત નકલ આપવાના બદલામાં અરજદાર પાસે 200 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અરજદારે આ અંગે બનાસકાંઠા ACBમાં ફરિયાદ નોંધાવતા, એજન્સીએ છટકું ગોઠવ્યું હતું. આજે જેમ જ અરજદારે લાંચની રકમ આપી, તુરંત જ ત્રાટકેલી ACBની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

વાવ-થરાદ પંથકની મામલતદાર કચેરીમાં ACB ની આ પ્રથમ મોટી રેડ ગણવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર કચેરી પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને અન્ય કર્મચારીઓમાં પણ ભારે ફફડાટ જોવા મળ્યો હતો. હાલમાં ACB દ્વારા આરોપી કિરીટ સોની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત સરકારી તંત્ર કડક બની રહ્યું છે. લાંચ લેવી અને આપવી બંને ગુનો છે, ત્યારે ACBની આ સફળ ટ્રેપ બાદ હવે સરકારી કચેરીઓમાં કામ કરાવવા આવતા અરજદારોમાં જાગૃતિ આવશે અને ભ્રષ્ટ કર્મચારીઓ પર અંકુશ આવશે તેવી આશા સેવાઈ રહી છે.

(10:27 PM IST)