તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
સરકારી અને અર્ધસરકારી હોસ્ટેલમાં ABVP દ્વારા મેસમાં આકસ્મિક તપાસ :રસોડામાં ભારે ગંદકી, સડેલા શાકભાજી અને જીવાતવાળો ખોરાક ઝડપાયો
હોસ્ટેલમાં હલકી ગુણવત્તાના ભોજન અને ફૂડ પોઈઝનિંગની ફરિયાદો બાદ ABVP દ્વારા તપાસ :વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા મેસ સંચાલકો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ સાથે તંત્રને ઉગ્ર આંદોલનની ચીમકી

અમદાવાદ :રાજ્યભરની સરકારી અને અર્ધસરકારી છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાની વિગતો સપાટી પર આવી છે. છેલ્લા કેટલાક સમયથી હોસ્ટેલ મેસ સંચાલકો સામે અખાદ્ય અને હલકી ગુણવત્તાવાળો ખોરાક પીરસાતો હોવાની ફરિયાદો ઉઠી રહી હતી.
આ પરિસ્થિતિને ધ્યાને રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ સરકારી અને અનુદાનિત છાત્રાલયોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન રસોડામાં અસહ્ય ગંદકી, સડેલા શાકભાજી અને બેદરકારીનો મોટો પર્દાફાશ થયો છે.
છાત્રાલયોમાં પીરસાતા અશુદ્ધ ભોજનને કારણે અગાઉ અનેક વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા અને બીમાર પડ્યા હતા. વિદ્યાર્થીઓ તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે મેસના ખોરાકમાં નિયમિતપણે જીવજંતુઓ નીકળે છે.
આ ફરિયાદોની સત્યતા તપાસવા માટે વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓએ સીધા રસોડામાં પહોંચીને ફૂડ સ્ટોરેજ,રસોઈ બનાવવાની પદ્ધતિ અને પીવાના પાણીની સુવિધાનું પંચનામું કર્યું હતું. તપાસ દરમિયાન મોટાભાગની હોસ્ટેલમાં સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.
તપાસ ટીમ જ્યારે મેસના રસોડામાં પહોંચી ત્યારે રેફ્રિજરેટર અત્યંત દુર્ગંધયુક્ત હાલતમાં જોવા મળ્યા હતા. ફ્રિજની અંદર અસ્વચ્છતા હોવા છતાં તેમાં જ શાકભાજીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, રસોઈ માટે ઉપયોગમાં લેવાતા બટાકા, ડુંગળી અને લીલા શાકભાજી સડેલી હાલતમાં મળી આવ્યા હતા.
રસોડાના પ્લેટફોર્મ અને વાસણો પણ યોગ્ય રીતે સાફ કરવામાં આવતા નહોતા. આ ઉપરાંત હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણીની પૂરતી સુવિધાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ વારંવાર પેટના રોગોનો ભોગ બની રહ્યા છે.
આ સમગ્ર ઘટનાએ શિક્ષણ વિભાગ અને હોસ્ટેલ પ્રશાસનની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. વિદ્યાર્થીઓ નિયમિતપણે ફી ચૂકવતા હોવા છતાં તેમને પશુઓ જેવું ભોજન કેમ પીરસવામાં આવે છે? રસોડામાં આટલી ગંદકી હોવા છતાં સ્થાનિક વોર્ડન અને ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા નિયમિત સેમ્પલિંગ કેમ કરવામાં આવતું નથી? વિદ્યાર્થીઓએ અગાઉ કરેલી લેખિત ફરિયાદો છતાં મેસ કોન્ટ્રાક્ટર સામે પગલાં ન ભરીને કોને છાવરવામાં આવી રહ્યા છે તેવા વેધક પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે.
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના જોખમે નફો કમાતા બેદરકાર મેસ સંચાલકો સામે તાત્કાલિક ફોજદારી પગલાં ભરવામાં આવે અને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ખોરાકના નમૂના લઈને લેબોરેટરી તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
