News of Friday, 31st July 2026
પ્રો.ટેક્ષ નાબુદ કરોઃ MSMEને સસ્તી જમીન આપોઃ રાજકોટ-અમદાવાદ-જેતપુર હાઈવે ઝડપી પુરા કરોઃ OTS અમલમાં મુકો
રાજકોટ ચેમ્બરનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને મળ્યું: વેપાર-ઉદ્યોગના પ્રશ્નોનાં ઉકેલની માંગ રાજકોટમાં ઈનલેન્ડ કન્ટેઈનર ડેપો શરૂ કરોઃ કન્વેન્શન સેન્ટર મંજુરીની પ્રક્રિયા ઝડપી બનાવો

રાજકોટ,તા.૩૧: ગુજરાત રાજ્યના વેપાર-ઉદ્યોગના સર્વાંગી વિકાસ અને સ્થાનિક સ્તરે નડતરરૂપ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ગુજરાત રાજ્યની લીડીંગ રીજીઓનલ ચેમ્બરો સાથે ગત તા.૩૦-૦૭-૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી સાથે મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ખજાનચીશ્રી વિનોદભાઈ કાછડીયા, વ્યવસ્થાપક સમિતિના સભ્યશ્રી કુમનલાલ વારસાણી ઉપસ્થિત રહી નીચે મુજબના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ હતી.
ગુજરાતમાં ઘણી બધી MSME ઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ હોય તેમજ MSME ની વ્યાખ્યા પણ બદલાઈ ગયેલ હોય ઉદ્યોગકારોને GIDC માં ૩૦૦૦ ચો.મી.ને બદલે ૬૦૦૦ ચો.મી. જમીન ૫૦%ના દરે આપવી. જેથી ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને MSME સેકરટને બુસ્ટ મળશે.
VAT ઘણાં સમયથી બંધ થયેલ હોય અને GST નું અમલીકરણ થઈ ગયું હોવાથી ભૂતકાળના જુના VAT તથા સેલ્સટેક્ષના પેન્ડીંગ કેસો અને વિવાદોના કાયમી નિકાલ માટે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ (OTS) તાત્કાલીક અસરથી લાગુ કરવી.
રાજકોટ ખાતે ઇનલેન્ડ કન્ટેઈનર ડેપો (ICD) ની તાતી જરૂરિયાત હોય તેમજ રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. ત્યારે ICD ની મંજુરી પ્રક્રિયા ઝડપી બનાવી યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી નિકાસકરોને સરળતા રહે.
સરકારશ્રી દ્વારા રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર મંજુર કરેલ છે. તો તે માટેની વહીવટી પ્રક્રિયા ઝડપથી શરુ કરવામાં આવે. આ માટે રાજકોટ ચેમ્બર તમામ જવાબદારી લેવા માટે તૈયાર છે.
સમગ્ર ગુજરાતમાંથી લીડીંગ ચેમ્બરો જીઆઈડીસીઓ મોટા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનોની એક સંકલન સમિતિની રચના કરવી. આ સંકલન સમિતિની મિટીંગ મિટીંગ દર બે માસે રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી, ઉદ્યોગમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને બોલાવવી. જેથી કરીને વેપાર-ઉદ્યોગકારોના મહદઅંશે પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય.
સમગ્ર દેશમાં વન નેશન વન ટેક્ષના નિર્ણયના ભાગરૂપે વર્ષ ૨૦૧૭ માં GST નું અમલીકરણ થયેલ છે. ત્યારે દેશના અન્ય ઘણાં રાજયોમાં પ્રોફેશનલ ટેક્ષ વસુલવામાં આવતો નથી. તેથી સમગ્ર ગુજરાત રાજયમાંથી પ્રોફેશનલ ટેક્ષ સંપુર્ણ પણે નાબુદ કરવો.
રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એકઝીબીશનોમાં ભાગ લેતા MSME ને MDA સ્કીમ અંતર્ગત ૫ લાખની સબસીડીની મર્યાદા ૩૦ લાખ સુધી વધારવી. તેમજ તમામ પ્રકારના થતા ખર્ચ ઉપર પણ સહાય મળવાપાત્ર થવી જોઈએ.
રાજકોટ એ ડિફેન્સ અને એરોસ્પેસના ઘણા બધા પાર્ટસનું ઉત્પાદન કરી રહયું છે અને હબ ગણાય છે. ત્યારે સૌરાષ્ટ્ર રીજીઓનનો ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવેશ કરી જંત્રીના ર૫% દરે જમીન ફાળવવી. જેથી કરીને આવા ઉદ્યોગોને વેગ મળે. તેમજ ભારત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસના સાધનો એકસપોર્ટ કરવાની જે નેમ છે એ નેમને સાર્થક કરવામાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહભાગી બની રહેશે. સાથો સાથ રાજકોટમાં આશરે એક હજારથી પણ વધુ ફોર્જિગ અને કાસ્ટીંગના યુનીટો આવેલા હોય ત્યારે સરકારી સુવિધા માટે રાજકોટ ખાતે ડિફેન્સ અને એરોસ્પેસ માટેનું કલ્સ્ટર ડેવલોપ કરવું ખુબ જ જરૂરી છે.
રાજકોટ (હીરાસર) ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થવાને આશરે સવા બે વર્ષ થઈ ગયેલ હોય ઈન્ટરનેશનલ ફલાઈટો એક પણ ઉડાન ભરી રહી નથી. જેના કારણે મુસાફરોને ખુબ જ હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે. ત્યારે આ એરપોર્ટ ઉપર કસ્ટમ્સ કલીયરન્સ અને ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ થઇ ગયેલ હોય. તેથી તાત્કાલિકના ધોરણે ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂ કરવી ખુબ જ જરૂરી છે.
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન નેશનલ હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત કુવાડવા બ્રિજનું અધૂરું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે. જેથી ઉદ્યોગકારો અને આમજનતા ને ભોગવવી પડતી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે.
રાજકોટ-જેતપુર સિક્સ લેન નેશનલ હાઇવે પ્રોજેક્ટ ખુબ જ ગોકળગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે વેપાર-ઉદ્યોગકરો, કામદારો અને આમ જનતાને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હોવાથી. આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
અમદાવાદ-સુરતની જેમ રાજકોટ શહેરના ભવિષ્યના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખી મેટ્રો ટ્રેનની સુવિધા આપવા અંગે ખાસ વિચાર કરવો જરૂરી છે.
GIDC ના વર્ષો જુના બાકી લેણાની રકમના પ્રશ્નોના નિરાકરણ માટે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ (OTS) અમલમાં મુકવી.
GIDC માં ઉદ્યોગકારોને પ્લોટ વેંચાણ દરમ્યાન થતા લીઝ ડીડમાં ઉતરોતર જુની અગાઉની સ્ટેમ્પ ડયુટી વસુલવાનું ફરજીયાત કરેલ છે. તે તાત્કાલીક અસરથી રદ કરવું.
GIDC ના બાંધકામ અને નિયમોના ઉલંઘન સંદર્ભે વસુલવામાં આવતી ઈમ્પેક્ટ ફી માં સરળીકરણ કરવું.
ઉપરોક્ત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ પ્રશ્નો અંગે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીએ સકારાત્મક અભિગમ દાખવી ટૂંકાગાળામાં આ નિર્ણયો ઉપર પુરતું ધ્યાન આપી અને વેપાર-ઉદ્યોગોને વધુ વિકસિત બનાવી શકાય તે માટે સૌ સાથે પરામર્શ કરી યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાતરી આપેલ હતી. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
