<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અભયમ 181ના સંવેદનશીલ હસ્તક્ષેપથી પિતા-પુત્રી વચ્ચે ફરી સ્થાપિત થયો વિશ્વાસ અને સુમેળ

ઉચ્ચ શિક્ષણ, સુરક્ષા અને પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાઉન્સેલિંગ દ્વારા થયો સહમતિભર્યો નિર્ણય

( ભરત શાહ દ્વારા ) નર્મદા:બાળકનું શિક્ષણ તેના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. જોકે, ઉચ્ચ શિક્ષણ સંબંધિત નિર્ણયો લેતી વખતે પરિવારની આર્થિક પરિસ્થિતિ, સુરક્ષા, વાલીઓની જવાબદારી અને વિદ્યાર્થીના ભવિષ્ય જેવા તમામ પાસાઓનું સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે. આવા જ એક સંવેદનશીલ પારિવારિક મતભેદમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇન, નર્મદા ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને અસરકારક કાઉન્સેલિંગ અને પરિવાર પરામર્શ દ્વારા પિતા-પુત્રી વચ્ચે સુમેળભર્યું સમાધાન કરાવ્યું હતું.
   નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી એક વિદ્યાર્થીનીએ અભયમ 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી જણાવ્યું હતું કે તેને અમદાવાદ ખાતે બી.એસ.સી. અભ્યાસ માટે પ્રવેશ મળ્યો છે, પરંતુ તેના પિતા બહારગામ અભ્યાસ માટે જવાની મંજૂરી આપતા ન હોવાથી બંને વચ્ચે વારંવાર મતભેદ સર્જાતા હતા. આ પરિસ્થિતિથી વિદ્યાર્થીની માનસિક રીતે વ્યથિત બની હતી અને તેણે અભયમ 181ની મદદ માંગી હતી.
   માહિતી મળતા જ અભયમ 181 મહિલા હેલ્પલાઇનની નર્મદા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા સૌપ્રથમ વિદ્યાર્થીનીને વિશ્વાસમાં લઈ તેની લાગણીઓ, અપેક્ષાઓ અને ભવિષ્ય અંગેની ઇચ્છાઓને ધ્યાનપૂર્વક સાંભળી સંવેદનશીલ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ પિતા સાથે અલગથી ચર્ચા કરી સમગ્ર ઘટનાક્રમ અને તેમની ચિંતાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. જેમાં પિતાએ જણાવ્યું હતું કે તેઓ સામાન્ય આવક ધરાવતા ધંધાદારી વ્યક્તિ છે. બહારગામ અભ્યાસ માટેની કોલેજ ફી, રહેવા-જમવાનો ખર્ચ તેમજ અન્ય ખર્ચ ઉઠાવવો તેમના માટે આર્થિક રીતે મુશ્કેલ છે. ઉપરાંત પુત્રીની સુરક્ષા અને યોગ્ય દેખરેખ અંગે પણ તેઓ ચિંતિત હતા. તેમણે વધુમાં જણાવ્યું કે નજીકની સારી બી.એસસી. કોલેજમાં પુત્રીને પ્રવેશ અપાવવા તેઓ સંપૂર્ણ તૈયાર છે, પરંતુ માત્ર બહારગામ જ અભ્યાસ કરવાની જીદને કારણે પરિસ્થિતિ તંગ બની હતી.
   અભયમ 181ની ટીમે બંને પક્ષની વાત સાંભળીને પરિવાર પરામર્શ હાથ ધર્યો. વિદ્યાર્થીનીને પરિવારની આર્થિક સ્થિતિ, વાલીઓની જવાબદારી અને સુરક્ષાના મુદ્દાઓ અંગે સમજણ આપવામાં આવી. સાથે જ નજીકમાં ઉપલબ્ધ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણની તકો વિશે માહિતી આપી તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવા પ્રોત્સાહિત કરવામાં આવી.
   આમ, અભયમ 181 મહિલા હેલ્પલાઇન, નર્મદા ટીમે સમયસર સ્થળ પર પહોંચી સંવેદનશીલ કાઉન્સેલિંગ, અસરકારક પરિવાર પરામર્શ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા એક સંવેદનશીલ પારિવારિક વિવાદનો શાંતિપૂર્ણ અંત લાવી પિતા-પુત્રી વચ્ચે વિશ્વાસ, સમજણ અને સહકારનું વાતાવરણ સર્જ્યું

(12:52 AM IST)