<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામ ખાતે 'આશીર્વાદનો દીવો' ભવ્ય કાર્યક્રમ યોજાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહેશે મુખ્ય અતિથિ

૨૫ વર્ષની જનસેવા અને રાષ્ટ્રસેવાના અવસરે જાસપુર ખાતે લોક ડાયરો, ભારત દેશના નકશા પર દીપોત્સવ અને ૭૬ દીકરીઓના મુખે પૂર્ણ વંદેમાતરમ ગાન સહિત સાંસ્કૃતિક આયોજન

અમદાવાદ:રાષ્ટ્રસેવાને જીવનનું ધ્યેય બનાવી ભારતને વિકાસ, આત્મનિર્ભરતા અને વૈશ્વિક ગૌરવની નવી ઊંચાઈઓ સુધી લઈ જનારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષની જનસેવા અંતર્ગત ૭૬મા જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અવસરે "આશીર્વાદનો દીવો" શીર્ષક હેઠળ વિશેષ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજનની વિગતો અને સ્થળ:
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ તા. ૧૬-૦૯-૨૦૨૬, બુધવારના રોજ રાત્રે ૮-૦૦ થી ૧૨-૩૦ કલાકે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ ખાતે યોજાશે.

મુખ્ય અતિથિ વિશેષ અને ઉપસ્થિતિ:
આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિ તરીકે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ તેમજ અમદાવાદ પૂર્વના સાંસદ એચ. એસ. પટેલ હાજરી આપશે.

સાંસ્કૃતિક કાર્યક્રમોના મુખ્ય આકર્ષણો:
કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં:
 * ભવ્ય લોક ડાયરો તથા ભજન
 * ભારતના નકશા ઉપર ભવ્ય દીપોત્સવ
 * વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીવનગાથા
 * ૭૬ દીકરીઓના સ્વમુખે પૂર્ણ વંદેમાતરમ ગાન
 * સંકલ્પ - વિકસિત ભારત - ૨૦૪૭
 * મહાઆરતી

સનાતન સંસ્કૃતિ અને સંસ્થાની પ્રવૃત્તિઓ:
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રહિતની વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે વિશ્વની "નવમી અજાયબી" સમા જગતજનની મા ઉમિયાના ૫૦૪ ફૂટ ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. જેની સાથે સાથે શિક્ષણ, સંસ્કૃતિ, યુવા-મહિલા સશક્તિકરણ અને સમાજ વિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલ અને સમગ્ર ટીમ દ્વારા સનાતનના ગૌરવને વંદન કરવા અને આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં સહભાગી બનવા સર્વે નાગરિકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(8:42 PM IST)