તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં AAPનું રાજપીપળામા શક્તિ પ્રદર્શન: કલેકટર કચેરી સુધી વિશાળ પદયાત્રા
રાજપીપળા ખાતે હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી:ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં 1.5 લાખ લોકોએ સિગ્નેચર કરી, AAP એ 1.5 લાખ સિગ્નેચરો કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલી:સિગ્નેચરોની સંખ્યા 10 લાખ સુધી પહોંચાડવાની છે: ઈસુદાન ગઢવી:ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કરવામાં આવેલ મહારેલી અને મહાસભામાં AAP નેતા ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, યુવરાજસિંહ જાડેજા, નિરંજન વસાવાએ આપી હાજરી

( ભરત શાહ દ્વારા )નર્મદા : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા ખાતે મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી બાદ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લોકોએ જે દોઢ લાખ સિગ્નેચરો કરી હતી તેને કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, AAP નેતા યુવરાજસિંહ જાડેજા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા સહિત AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો લોકોએ સાબિતી આપી હતી કે તેઓ હર હંમેશ ચૈતર વસાવાના સમર્થનમાં છે અને આશા છે કે ઝડપથી તેઓ બહાર આવશે અને ફરી એકવાર પોતાની ગર્જના કરશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સભામાં જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે આદિવાસી સમાજના દિકરા ચૈતરભાઈ વસાવાને બચાવવા માટે આપ તમામ લોકોએ 1.5 લાખ સિગ્નેચરો કરી આપી, નરેન્દ્ર મોદીની તાકાત નથી કે આ કામ કરી બતાવે. ચાર દિવસ પહેલા આપણે પંજાબનો વિડીયો જોયો હતો અને એનાથી આપણને ખ્યાલ આવી ગયો કે ચૈતરભાઈને ફક્ત લોકલ ભાજપના નેતાઓએ નહીં પરંતુ ઉપરના નેતાઓએ જેલમાં નખાવ્યા છે. એક તાજા સમાચાર છે કે ગુજરાતની કોર્ટમાં 16 લાખ કેસો પેન્ડિંગ છે, આ બધા કેસો વર્ષોથી પેન્ડિંગ છે પરંતુ ચૈતરભાઈનો કેસ તો હમણાં થોડા સમય પહેલા થયો હતો જો ચૈતરભાઈને તમે ફટાફટ કેસ ચલાવીને સજા કરાવી શકો છો તો આ 16 લાખ પેન્ડિંગ છે એમને કેમ નથી કરાવતા? આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપે ચૈતરભાઈ વસાવાને ખતમ કરવા માટે ષડયંત્ર કર્યું હતું. ચૈતરભાઈનો ગુનો એ હતો કે આદિવાસી સમાજ પર જે આફત આવતી હતી એની સામે તેઓ લડતા હતા. શકુંતલાબેનના આંખમાં હમણાં આંસુ આવી ગયા હતા તો આપણે આંસુઓનો બદલો લેવાનો છે. આદિવાસી ખેડૂતના ખેતરનો પાક નષ્ટ કરવામાં આવ્યો તો પહેલી જવાબદારી તો સાંસદ મનસુખભાઈની બનતી હતી, મનસુખભાઈ વન કર્મચારીઓને કહેવાની જરૂર હતી કે તેઓ ખોટું કરી રહ્યા છે. પરંતુ તેઓ બોલ્યા નહીં. પરંતુ ચૈતર વસાવા ખેડૂત સાથે ઊભા રહ્યા અને એમણે સમાધાન કરાવ્યું. ધારાસભ્યો-સાંસદો પ્રજાના હિતના કામ કરવા માટે હોય છે, દલાલી કરવા માટે નહીં. ઘણા બધા આદિવાસી સમાજના નેતાઓ ભાજપની પીપૂડી બની ગયા છે. આપણે આજે આ 1,50,000 સિગ્નેચરો કલેક્ટરને આપીશું પરંતુ કલેક્ટરની તાકાત નથી કે ઉપર સુધી વાત કરી શકે એટલા માટે આપણે આ સિગ્નેચરો રાષ્ટ્રપતિને મોકલવાના છીએ.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, 30 વર્ષથી સત્તામાં બેસેલી ગુજરાતની ભાજપ સરકાર આજે ફક્ત ચૈતર વસાવાથી ડરે છે. એટલા માટે એમણે ચૈતર ભાઈને જેલમાં નાખવાનું કામ કર્યું છે. ભાજપ ૩૦ વર્ષથી સત્તામાં છે એને અહંકાર છે. આ લોકો દેશના લોકોને કીડા મકોડા સમજે છે અને આ પ્રકારની તાનાશાહીથી ભરેલી માનસિકતાની સામે આપણી લડાઈ છે. આ માનસિકતાની સામે જે લડાઈ ચાલી રહી છે એનું નેતૃત્વ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે. ભાજપના અનેક કાવતરાની સામે ચૈતરભાઈ ઝૂક્યા નથી. જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે ચૈતરભાઈ અને તેમના પરિવારનું નામ સુવર્ણ અક્ષરોથી લખાશે. આપણી લડાઈ મનસુખભાઈ વસાવા કે ભાજપના કાર્યકર્તાઓ સાથે નથી પરંતુ ભાજપની માનસિકતા સાથે છે
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આપણા ધારાસભ્ય ચૈતર ભાઈ ત્રણ-ત્રણ વાર જેલમાં ગયા અને એમના ધર્મપત્ની પણ બે વર્ષ જેલમાં રહ્યા, આજે આપણે ચૈતર ભાઈ અને તેમના પરિવારનો ખૂબ આભાર માનવો જોઈએ. આજે ભલે ચૈતર ભાઈ જેલમાં હોય, પરંતુ તેમણે સમગ્ર ગુજરાતના ઘરેઘરે નવા 'ચૈતર ભાઈ' પેદા કરી દીધા છે. આ જ વાતથી ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી છે.
આ સભામાં ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેન વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે મને અને બીજા ચાર ખેડૂતોને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે તો અમે હાઇકોર્ટનો આભાર માનીએ છીએ. ભાજપ અમને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે અને આનો જવાબ 2027 માં આપીશું. ખેડૂતોને ન્યાય અપાવવાની જગ્યાએ ચૈતરભાઈને ખોટી રીતે સજા કરવામાં આવી એનો જવાબ પણ જનતા આપવા માટે તૈયાર છે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની વર્ષાબેન વસાવાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આપણે ગામડે ગામડે જઈને 1.5 લાખ સિગ્નેચરો કરાવી. આપ તમામ લોકોએ મને જે સાથ સહકાર આપ્યો એ હું ક્યારેય ભૂલીશ નહીં. આપણા ધારાસભ્ય આપણા માટે મોભી છે અને એમના વગર આપણને કેટલી તકલીફ પડી રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણી લડત ચાલુ રહેશે. 2027માં અંબાજીથી ઉમરગામ સુધી સૂપડા સાફ કરવાના છે. મનસુખ દાદા તમારે ડિબેટમાં બેસવું હોય તો અમારી જનતા અને હું અમે તમામ લોકો તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છીએ
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
