<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

"આમ આદમી પાર્ટી"ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની ગણેશચતુર્થીના દિવસે ખેડૂતો માટે મહત્વની જાહેરાત : વિસાવદર વિધાનસભાના તમામ ખેડૂતોને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલય ખાતેથી નિઃશુલ્ક ૭/૧૨, ૮અ અને હક્કપત્રક નંબર-૬ ની પ્રિન્ટ કાઢી અપાશે

વિસાવદર ઉપરાંત આજુબાજુના તમામ તાલુકા બગસરા, ઘારી, મેંદરડા, જેતપુર કે ગુજરાતના કોઈપણ તાલુકામાંથી વિસાવદર આવ્યા હોય અને પ્રિન્ટ કઢાવવી હોય તો પણ કાઢી અપાશે : જે વસ્તુ ઓનલાઇન થઈ શકતી હશે એની સારી કલર કોપી કાઢીને લોકોને મદદરૂપ થઈશુ : તમામ લોકોને નિશુલ્ક કોપી કાઢી આપવામાં આવશે, ખર્ચો હું ઉઠાવીશ: ગોપાલ ઇટાલીયા

રાજકોટ તા.૧૪ : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે ગણેશ ચતુર્થીના દિવસે વિસાવદરના તમામ ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવાની છે. વિસાવદર વિધાનસભાના તમામ ખેડૂતોને મારા કાર્યાલય ખાતેથી નિઃશુલ્ક ૭/૧૨, ૮અ અને હક્કપત્રક નંબર-૬ ની પ્રિન્ટ કાઢી આપવામાં આવશે. 

            આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે, કારણ કે જ્યારે ખેડૂતો ૭/૧૨ કઢાવવા જાય છે ત્યારે મામલતદાર ઓફિસ હોય કે ગ્રામ પંચાયત હોય, ત્યાં ધક્કા ખવડાવવામાં આવે છે, પૈસા માગવામાં આવે છે અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. માટે મેં નક્કી કર્યું છે કે જે વસ્તુ ઓનલાઇન થઈ શકતી હશે એની સારી કલર કોપી કાઢી આપીને વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢના લોકોને અમે મદદરૂપ થઈશું. સરકારી કચેરીમાં જે કાગળ દીઠ પાંચ રૂપિયાનો ખર્ચ થતો હોય છે, એ મારી કચેરીમાં કોઈ આપવાનો રહેશે નહીં, એ તમામ ખર્ચો હું ઉઠાવીશ. આ સિવાય બીજી કોઈપણ કોપી જે ઓનલાઇન નીકળી શકતી હોય જેમકે કોઈ કોર્ટનો કાગળ છે કે પ્રોપર્ટી મુદ્દે કોઈ કાગળ છે એ પણ મારી ઓફિસથી કાઢી આપવામાં આવશે અને એ પણ તદ્દન નિશુલ્ક.

        વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, વિસાવદર સિવાય આજુબાજુના તમામ તાલુકા બગસરા, ઘારી, મેંદરડા, જેતપુર કે ગુજરાતના કોઈપણ તાલુકામાંથી વિસાવદર આવ્યા હોય અને પ્રિન્ટ કઢાવવી હોય તો પણ કાઢી આપવામાં આવશે. 

                આખા ગુજરાતનો કોઈપણ માણસ મારી ઓફિસે ૭/૧૨, ૮અ અને હક્કપત્રક નંબર-૬ સહિત અન્ય કોઈ ડોક્યુમેન્ટ કઢાવવા માટે આવશે, તો એમને પણ અમે સારા કાગળમાં કલર કોપી કાઢી આપીશું. એક - બે દિવસમાં પ્રિન્ટર અને સ્ટાફની વ્યવસ્થા થઈ જશે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢના ખેડૂતોએ મારા જેવા સામાન્ય વ્યક્તિનું સમગ્ર ગુજરાતમાં માન વધાર્યું અને મને જે સ્થાન આપ્યું એટલા માટે મારાથી જેટલી થાય એટલી સેવા કરવા માગું છું અને એટલા માટે જ આજે ગણેશ ચતુર્થીના દિવસે આ જાહેરાત કરી રહ્યો છું. સાથે સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગણેશ ચતુર્થી અને મહોત્સવની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

 

 

 

જ્યારે ખેડૂતો ૭/૧૨ કઢાવવા જાય છે ત્યારે મામલતદાર ઓફિસ હોય કે ગ્રામ પંચાયત હોય, ત્યાં ધક્કા ખવડાવવામાં આવે છે, માટે અમે આ વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ: વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ખેડૂતોએ મારા જેવા સામાન્ય વ્યક્તિનું સમગ્ર ગુજરાતમાં માન વધાર્યું અને મને જે સ્થાન આપ્યું એટલા માટે મારાથી જેટલી થાય એટલી સેવા કરવા માગું છું: ગોપાલ ઇટાલીયા

 

(4:17 PM IST)