<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

સુરતથી તાપી જિલ્લામાં મિત્રો સાથે ફરવા આવેલો યુવકનું ઉચ્છલ નજીક નદીમાં ડૂબી જવાથી મોત

વિરાજ નદીના આ જોખમી વહેણમાં નાહવા જતાં જ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો. જોતજોતામાં તે પાણીના તેજ પ્રવાહમાં લાપતા થઈ ગયો

સુરતથી તાપી જિલ્લામાં મિત્રો સાથે ફરવા આવેલો એક યુવક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ થુંટી ડેવલપાડા વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં નહાવા પડેલા સુરતના એક 28 વર્ષીય આશાસ્પદ યુવકનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો અનુસાર સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં રહેતો 28 વર્ષીય વિરાજ જયેશ પટેલ નામનો યુવક પોતાના મિત્રો સાથે તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાં પ્રકૃતિની મજા માણવા આવ્યો હતો. થુંટી ડેવલપાડા ગામ પાસેથી પસાર થતી તાપી નદીના કિનારે તમામ મિત્રો એકઠા થયા હતા. આ દરમિયાન વિરાજ નદીના પાણીમાં નાહવા માટે ઉતર્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નદીમાં પાણીનો પ્રવાહ અને ફુગાર ખૂબ જ જોખમી હતો. વિરાજ નદીના આ જોખમી વહેણમાં નાહવા જતાં જ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોતજોતામાં તે પાણીના તેજ પ્રવાહમાં લાપતા થઈ ગયો હતો.

યુવકને નદીમાં ડૂબતો જોઈ તેના મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક તંત્ર અને પોલીસને (Police) કરવામાં આવતા બચાવ ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નદીના ઊંડા પાણીમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવ્યા બાદ અંતે વિરાજ પટેલનો દેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.

આ સમગ્ર મામલે ઉચ્છલ પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. ઉચ્છલ પોલીસે મૃતક વિરાજ જયેશ પટેલના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે. તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન નદી કે નાળા જેવા જોખમી જળાશયોમાં ન ઉતરવા માટે પ્રવાસીઓને વારંવાર અપીલ કરવામાં આવે છે, છતાં આવી બેદરકારી મોટી હોનારત નોંતરે છે.

(7:53 PM IST)