તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
મહેસાણામાં મોઢેરા ચોકડી બસ પોર્ટ નજીક પેસેન્જર ભરવા જેવી તકરારમાં યુવકની કરપીણ હત્યા:બે આરોપીઓને ઝડપી લેવાયા
ઈકો ગાડીઓમાં પેસેન્જર બેસાડવા બાબતે વિવાદમાં 4 શખ્સોએ નિર્દોષ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો:જિલ્લા પોલીસ અને એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના બે મુખ્ય આરોપીઓને દબોચી લીધા

મહેસાણા શહેરમાં મોઢેરા ચોકડી બસ પોર્ટ નજીક પેસેન્જર ભરવા જેવી સામાન્ય તકરારમાં યુવકની કરપીણ હત્યાથી ભારે ચકચાર મચી ગઈ હતી. ઈકો ગાડીઓમાં પેસેન્જર બેસાડવા બાબતે ચાલતા વિવાદમાં 4 શખ્સોએ જાહેરમાં એક નિર્દોષ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, મહેસાણા જિલ્લા પોલીસ અને એ ડિવિઝન પોલીસે ત્વરિત એક્શન લઈ ગણતરીના કલાકોમાં હત્યાના બે મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે.
મહેસાણાના નાગલપુર ચીસ્તીનગરમાં રહેતા અને ઈકો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સાબીરહુસેન ગુલામરસુલ સૈયદ સાથે છેલ્લા કેટલાક દિવસોથી પેસેન્જર ભરવા મુદ્દે માથાકૂટ ચાલતી હતી. 30 ઓગસ્ટના રોજ બપોરે સાકીરહુસેન રફીકમહમદ સૈયદે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સાબીરહુસેનને મોઢેરા ચોકડી બોલાવ્યો હતો. સાબીરહુસેન મોઢેરા ચોકડી પહોંચતા જ સાકીરહુસેન સૈયદ, યુનુસભાઈ બાબી, માજીદખાન બાબી સહિતના શખ્સોએ એકસંપ થઈ તેના ગળા અને પાંસળીના ભાગે ઘાતક હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. આ મામલે મૃતકની પત્ની અનિશાબાનુએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારે મૃતકના મોટાભાઈ નજીરહુસેને મોઢેરા ચોકડી પર ચાલતી લુખ્ખી દાદાગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
ધોળે-દહાડે જાહેર માર્ગ પર બનેલી આ સનસનીખેજ હત્યાની ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ ડીવાયએસપી મિલાપ પટેલના સીધા માર્ગદર્શનમાં ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી. આ ગુનાની તપાસ મહેસાણા એ ડિવિઝન પી.આઈ. આર.એલ. પારગીને સોંપાઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
ચોક્કસ બાતમી આધારે એ ડિવિઝન પોલીસ સ્ટાફ અને એસઓજીની ટીમે રાત્રિના સમયે બિલાડીબાગ નજીક હીરાનગર રોડ પરથી મુખ્ય આરોપી સાકીરહુસેન રફીકમહમદ સૈયદને ઝડપી પાડ્યો હતો. જ્યારે મારામારીમાં ઈજાગ્રસ્ત બનેલા બીજા આરોપી માજીદખાન ફરીદખાન બાબીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ પોલીસે કાયદેસર ધરપકડ કરી લીધી હતી.
પોલીસ સકંજામાં આવેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી માજીદખાન બાબી રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ ખેડબ્રહ્મા, વિજાપુર, પાલનપુર, ઈડર અને મહેસાણા શહેર એ ડિવિઝનમાં પ્રોહિબિશન તેમજ જાહેરનામા ભંગના પાંચથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. મહેસાણા પોલીસે ગણતરીના સમયમાં હત્યાના બે મુખ્ય સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
