<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

સુરતના ડિંડોલી વિસ્તારમાં સુમુલ સર્કલ નજીક બે મિત્રો સાથે ઉભેલા એક યુવક પર અચાનક પાછળથી આવીને ચાકુ વડે જીવલેણ હુમલો

અંગત અદાવત, કોઈ જૂની દુશ્મનાવટ કે પછી અન્ય કોઈ કારણસર આ હુમલો કરવામાં આવ્યો છે? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ

સુરતના ડિંડોલી વિસ્તારમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ, રસ્તા વચ્ચે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડિંડોલી વિસ્તારમાં આવેલા સુમુલ સર્કલ નજીક આ ઘટના બની હતી. ભોગ બનનાર યુવક પોતાના અન્ય બે સાથીદારો સાથે ત્યાં ઉભો હતો. તે દરમિયાન, અચાનક જ કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને યુવક કંઈ સમજે તે પહેલાં જ તેની પર પાછળથી હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ યુવકની પીઠના ભાગે ચાકુના ગંભીર ઘા ઝીંકી દીધા હતા. આયોજનબદ્ધ રીતે ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા.

ચાકુના ઘા વાગવાને કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આસપાસના લોકો અને તેના સાથીદારો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તબીબો દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. અંગત અદાવત, કોઈ જૂની દુશ્મનાવટ કે પછી અન્ય કોઈ કારણસર આ હુમલો કરવામાં આવ્યો છે? તે દિશામાં પોલીસ દ્વારા અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં વધતા જતા આવા ગુનાઓ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે.

(11:40 PM IST)